Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની મહેર અવિરત ચાલુ રહી છે, અને ખાસ કરીને જામજોધપુર પંથકમાં ગઈકાલે દિવસ દરમિયાન બે ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેને લઈને અનેક નદી-નાળાઓમાં પુર આવ્યા હતા.
સાથોસાથ જામજોધપુર પથકમાં આવેલા ઉમિયા સાગર ડેમ તથા ફુલઝર કોટડા બાવીસી ડેમ, કે જે બંને ડેમોમાં નવા પાણીની આવક ચાલુ રહી હોવાથી ડેમનું લેવલ જાળવવા માટે પાટીયા ખોલીને બંને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યા છે, જેને લઈને નિચાણ વાળા વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઇ છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન સાત મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે જોડીયામાં પાંચ મી.મી., લાલપુરમાં ત્રણ મી.મી. અને કાલાવડમાં એક મી.મી. વરસાદ નોંધાયો છે.
ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ગઈકાલે 50 મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત વાંસજાળીયામાં 45 મી.મી. ધ્રાફામાં 40 મી.મી. તેમજ લાલપુરના હરિપર ગામમાં 40 મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અન્ય ગ્રામ્ય વિસ્તારમાં છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
સમગ્ર જિલ્લામાં છૂટાછવાયા વરસાદને લઈને 25 જેટલા જળાશયો પૈકી હાલ પાંચ ડેમ ઓવરફલો થઈ રહ્યા છે અને છ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. બાકીના ડેમોમાં નવા પાણીની આવક અવિરત ચાલુ રહી છે. સમગ્ર શહેર જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ બંધાયેલો છે, અને છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે.