Bharuch Crime : શ્રીજીની સવારીમાં થયેલ ધક્કામુક્કીની અદાવત રાખી ત્રણ મિત્રો ઉપર હુમલો કરી ધમકી આપવા મામલે ફરિયાદના આધારે ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝાડેશ્વર ગામ ખાતે રહેતો દેવ વસાવા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તા.17 ઓગષ્ટના રોજ મેં મારા મિત્રો સાથે સોનેરી મહેલ ખાતે મેઘરાજાના મેળામાં ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે રાત્રે દસ વાગ્યાના અરસામાં શ્રવણ ચોકડી ખાતે અમે ગણેશજીની શોભાયાત્રા જોવા માટે ઉભા રહ્યા હતા. તે વખતે મારા મિત્રના મિત્ર કૌશિક (રહે-પાલેજ) નિમેશ, નયન (બન્ને રહે-સમની) અને અર્જુન (રહે-વરેડીયા) પણ ત્યાં હાજર હતા. તેઓ સાથે ગઈ તા.15 ઓગષ્ટના રોજ ઝાડેશ્વર સાઈ મંદિર ખાતે ગણપતિની શોભાયાત્રામાં નાચવા બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી અમારી ઉપર હુમલો કર્યો હતો. અને “આ ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે”તેવી ધમકી આપી હતી. મને તથા મારી સાથેના બે મિત્રોને ઓછી વત્તી ઇજાઓ પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી હતી. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે ચારેય વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.