સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આવતીકાલે ટુર્નામેન્ટના અંતિમ દિવસે ફાઇનલની મેચો બાદ વિજેતા ખેલાડીઓને ટ્રોફી, મેડલ ,સર્ટિફિકેટ, રોકડ પુરસ્કાર એનાયત કરાશે.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે યુટીટી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યભરમાંથી 657 ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. અત્યાર સુધી કુલ 746મેચો રમાઈ ચૂકી છે. ત્રિ દિવસીય ટુર્નામેન્ટના બીજા દિવસે વડોદરાના પેડલર્સ પ્રથમ મડલાણી અને વેદ પંચાલે શાનદાર પ્રદર્શન કરી ક્વૉટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. પ્રથમ મડલાણીએ ભાવનગરના ઓમ જયસ્વાલ સામે 3- 0થી જીત મેળવી હતી. જ્યારે વેદ પંચાલે અમદાવાદના સાહિબ જોત સિંહ સામે ભારે રસાકસી બાદ 3-0થી જીત મેળવી હતી. આવતીકાલે ટુર્નામેન્ટના અંતિમ દિવસે 76 મેચો રમાશે. ત્યારબાદ વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાશે.