અમદાવાદ,બુધવાર
દાણીલીમડામાં બે દિવસ પહેલા મધરાતે પૂર ઝડપે જતી બોલેરો કાર પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે ચાર શ્રમજીવી રોડ ઉપર પટકાતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાણીલીમડામાં બોલેરોના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલટી જતાં શ્રમજીવી યુવકો રોડ ઉપર પટકાયા ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રામોલ વિસ્તારમાં વસ્ત્રાલ આરટીઓ રોડ ઉપરની સોસાયટીમાં રહેતા યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલેરો કારના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવક અને તેના મિત્રો એક મહિનાથી મજૂરી કામ માટે અમદાવાદ આવ્યા હતા, તા. ૧૭ના રોજ રાતે આઠ વાગે યુવક અને તેના મિત્રો બોલેરો પીક અપમાં બેસીને જમાલપુર ખાતે ગટરનું કામ કરવા માટે ગયા હતા.
કામ પૂર્ણ કરીને રાતે ત્રણ વાગે બોલેરોમાં બેસીને ઘર તરફ જઇ રહ્યા હતા જ્યાં દાણીલીમડા ચાર રસ્તાથી શાહ આલમ જવાના માર્ગ ઉપર બોલેરોના ડ્રાઇવર વાહનના સ્ટિંયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા કાર રોડ ઉપર પલટી ખાઇ ગઇ હતી. જેથી ચારેય રોડ ઉપર પટકાતા બોલેરોના ચાલક ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં માથા સહિત ગંભીર રીતે ઘાયલ ફરિયાદીના મિત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.