– ઓડ પાસે એસટી બસના ડ્રાઈવરને માર માર્યો હતો
– ખંભોળજ પોલીસ મથકે ડ્રાઈવરની પત્ની સહિત સમાજના લોકોની પહોંચીને રજૂઆત
આણંદ : ઓડ ગામના સૂર્યદ્વાર પાસે એસટી બસના ડ્રાઈવરને માર માર્યાની ઘટનાને ૭૨ કલાક થવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આરોપીઓની ત્વરિત ધરપકડની માંગ સાથે ડ્રાઈવરની પત્ની સહિત સમાજના લોકોએ ખંભોળજ પોલીસ મથકે હોબાળો મચાવી આવેદનપત્ર આપ્યું હતું.
ઓડ ગામના સુર્યદ્વાર પાસે એસટી બસના ડ્રાઈવર ભાનુભાઈ ડાહ્યાભાઈ ઠાકોરને અમૂક તત્વોએ ગડદાપાટુનો માર માર્યો હતો. તેઓ હાલ આણંદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે આણંદના ખંભોળજ પોલીસ સ્ટેશનમાં તા. ૨૮મી માર્ચે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ત્યારે ઘટનાને ૭૨ કલાક થઈ ગયા હોવા છતા માર મારનારા આરોપીઓની ધરપકડ ન કરાઈ હોવાની કે કાર્યવાહી પણ ન કરાઈ હોવાના આક્ષેપ સાથે પરિવાર સહિત સમાજના લોકોએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો. પોલીસ મથકે આવેદનપત્ર આપી ત્વરિત આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.