મુંબઈ : ઓગસ્ટમાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરીના પ્રારંભિક અંદાજમાં બન્ને ક્ષેત્ર મજબૂત સ્થિતિમાં હોવાના સંકેત મળી રહ્યા છે. દેશનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો એચએસબીસી ફલેશ ઈન્ડિયા સંયુકત પીએમઆઈ જે જુલાઈમાં ૬૧.૧૦ હતો તે ઓગસ્ટમાં ચાર પોઈન્ટ જેટલો જોરદાર વધી ૬૫.૨૦ રહ્યાનું એસએન્ડપી ગ્લોબલ દ્વારા જણાવાયું હતું.
ઘરઆંગણે તથા વિદેશમાંથી નવા ઓર્ડરમાં મજબૂત વૃદ્ધિને કારણે સેવા ક્ષેત્રનો ઓગસ્ટનો પ્રારંભિક પીએમઆઈ ૬૫.૬૦ સાથે ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યો છે. ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ પણ વધી ૫૯.૮૦ પોઈન્ટ પહોંચ્યો છે. જે જુલાઈમાં ૫૯.૧૦ રહ્યો હતો. ઉત્પાદન ક્ષેત્રમાં નવા બિઝનેસ ઓર્ડરમાં વધારો જુલાઈના સ્તરે જ જળવાઈ રહ્યો હોવાનું એસએન્ડપી ગ્લોબલના રિપોર્ટમાં જણાવાયું છે.
કાચા માલની સરખામણીએ ફિનિશ્ડ ગુડસની કિંમતમાં વધારો ઊંચો રહ્યો હોવાથી માર્જિનમાં વૃદ્ધિ જોવા મળી છે.
૨૦૧૪માં જ્યારથી સેવા તથા ઉત્પાદન ક્ષેત્રના સંયુકત પીએમઆઈ તૈયાર કરવાનું શરૂ કરાયું છે ત્યારથી પ્રથમ જ વખત ઓગસ્ટમાં નિકાસ ઓર્ડરોમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે.
સેવા પૂરી પાડતી કંપનીઓ અને માલસામાનના ઉત્પાદકોને મધ્ય પૂર્વ, અમેરિકા, યુરોપ તથા એશિયા ખાતેથી મોટા ઓર્ડરો પ્રાપ્ત થયા છે.
નવા ઓર્ડર મળવાની ઊંચી માત્રાને પરિણામે કર્મચારીઓની ભરતી કરવાનું પણ ઓગસ્ટમાં સતત ૨૭માં મહિને ચાલુ રહ્યું હતું. સેવા ક્ષેત્રમાં થયેલી મોટી ભરતીને કારણે ઉત્પાદન ક્ષેત્રમાં સાધારણ ઘટાડો ભરપાઈ થઈ શકયો હતો.
કર્મચારીબળની સંખ્યામાં વધારો કરાતા કામનો ભરાવો વધવાની ગતિ ધીમી પડી હતી એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. સેવા ક્ષેત્રમાં કર્મચારીઓના વેતન બિલના સ્વરૂપમાં ફુગાવાજન્ય દબાણને કારણે સેવા પાછળના ખર્ચમાં વધારો થતા સેવા પૂરી પાડવા પેટેના ચાર્જિસમાં વધારો થયો છે. મજબૂત માગને કારણે સર્વિસ પ્રોવાઈડરો ખર્ચને ગ્રાહકો પર પસાર કરવાની છૂટ લઈ શકયા છે.