– દિગ્જામ સર્કલ પાસેથી લોહીથી લથબથ હાલતમાં મળ્યો મૃતદેહ
જામનગર : જામનગરમાં દિગજામ સર્કલ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા એક રીક્ષા ચાલક યુવાનને ગઈકાલે રાત્રે સમાધાનના માટે બોલાવ્યા બાદ તેને એક મહિલાના ઘેર લઈ જઈ જૂના મનદુઃખના કારણે પાંચ શખ્સોએ તેની હત્યા નિપજાવી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે, જે પૈકી ૪ ની અટક કરી લીધી છે.
અગાઉના ઝગડામાં સમાધાન માટે બોલાવી ફરી માથાકૂટ કર્યા બાદ ઉઠાવી જઇ મોતને ઘાટ ઉતાર્યોઃ પાંચ સામે ફરિયાદ, ૪ની અટક
આ હત્યા કેસના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના ૨૩ વર્ષના યુવાનનો દિગજામ સર્કલ નજીકથી લોહીથી લથભથ હાલતમાં આજે સવારે મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યા ની આશંકા વ્યક્ત કરીને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સમગ્ર મામલામાં જૂનું મનદુઃખ કારણભૂત હોવાનું અને તેના કારણે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
મૃતક ની માતા રામીબેન ધનજીભાઈ પરમારે પોતાના પુત્રને જૂના મનદુઃખ ના કારણે મારી નાખવા અંગે તે જ વિસ્તારમાં રહેતા હિતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશભાઈ પરમાર, મનીયો દેવશીભાઈ મકવાણા, અને આશિષ રાજુભાઈ વારસાકિયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પુત્ર કાનજીભાઇને પોતાના વિસ્તારમાં રહેતી હીનાબેન મકવાણા નામની મહિલા અને તેના પતિ સાથે અને તેના પુત્ર હિતેન અને હીરા સાથે જૂની માથાકૂટ ચાલતી હતી. અને અગાઉ પણ ઝઘડો થયો છે. જેનું મનદુઃખ રાખીને તમામ પાંચેય આરોપીઓએ એક સંપ કરીને મૃતક યુવાનને ફોન કરીને મહાકાળી સર્કલ પાસે સમાધાન માટે બોલાવ્યો હતો. ત્યારબાદ તેની સાથે માથાકૂટ કરી હતી. અને તેને મોટર સાયકલમાં બેસાડી અપહરણ કરીને હીનાબેન મકવાણાને ઘેર લઈ ગયા હતા, અને તેની હત્યા નીપજાવી હતી.
સમગ્ર મામલામાં સીટી સી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે, અને સીટી ડીવાયએસપી જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી તપાસ ટુકડી દોડતી થઈ હતી, અને ચાર આરોપીઓને સકંજામાં લઈ લીધા છે, અને તેની પૂછપરછ ચલાવાઇ રહી છે.