Bharuch News : પાનોલી જીઆઇડીસીની કંપનીમાં નોકરીમાંથી કાઢી મુકતા રોષે ભરાયેલ કર્મચારીએ મશીનની અંદર આવેલ રોલને આશરે રૂ.10 લાખનું નુકસાન પહોંચાડવા મામલે કંપનીના મેનેજરે કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વર ખાતે રહેતા જીગ્નેશભાઈ મેહતા પાનોલી જીઆઇડીસીમાં આવેલ વિઝન પોલીમર પ્રા.લિ. કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, વર્ષ 2024 સપ્ટેમ્બરથી રાજ બચ્ચન પાઠક (રહે-અંકલેશ્વર/મૂળ રહે-ઉત્તર પ્રદેશ) કંપનીમાં પ્રોબેશન પિરિયડ પર કામ કરતો હતો. તેનું પરફોર્મન્સ કંપનીમાં નિયમો અનુસાર જણાઈ આવેલ નહીં. તેમ છતાં તેની વિનંતી ઉપર તેનો પ્રોબેશન પિરિયડ વધારવામાં આવ્યો હતો. છતાં તેની કામગીરીમાં કોઈ સુધારો ન જણાતા કંપની દ્વારા તેને કાયમ માટે જોબમાંથી ટર્મિનેટ કરવાનું નક્કી કરાયું હતું. ગઈ તા.20 ઓગષ્ટના રોજ કંપની તરફથી રાજને ટર્મિનેટ લેટર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કંપનીના ડિરેક્ટર દિવ્યેશભાઈએ જણાવ્યું હતું કે, કંપનીના એક્સ્ટુ ડર મશીનની અંદરના રોલને રાજપાઠકે નુકસાન પહોંચાડ્યું છે. જેથી તપાસ કરતા બે મશીન અંદર આવેલ રોલને આશરે રૂ.10 લાખનું નુકસાન જણાઈ આવ્યું હતું. ઉક્ત ફરિયાદના આધારે પાનોલી પોલીસે રાજ પાઠક સામે મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.