Jamnagar Crime : જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાન ઉપર મહાનગરપાલિકામાં ઈજનેર તરીકે નોકરી કરતા એક યુવાન અને તેની પ્રેમિકા એ છરી વડે મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે. ઇજાગ્રસ્ત યુવાન કે જેણે આરોપી ઇજનેર તેની પ્રેમિકા સાથે ફરતો હોવાથી પ્રેમિકાના પિતાને ફોન કરીને જાણકારી આપી દીધી હોવાથી તેનું મન દુઃખ રાખીને ખૂની હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં બ્લોક નંબર એલ 18 માં ત્રીજા માળે રહેતા કરણ દિલીપભાઈ ભટ્ટી નામના 23 વર્ષના યુવાન પર જામનગર મહાનગરપાલિકામાં ઇજને તરીકે નોકરી કરતા અને ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા કેયુર હિતેશભાઈ શુકલા નામના શખ્સે પોતાની પ્રેમિકા સુનિતાબેન મનજીભાઈ કાતરીયા સાથે સાધના કોલોનીમાં આવી કરણ ભટ્ટીને મારી નાખવાના ઇરાદે તેના ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો, અને ફરીથી કોઈ બાતમી આપશે, તો પૂરું કરી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે. ઇજાગ્રસ્ત યૂવાનને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને તેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે હાલ સારવાર હેઠળ છે. ઇજાગ્રસ્ત યુવાન કરણની બહેન કવિતાબેન સંજયભાઈ પરમારએ પોતના ભાઈ કરણની હત્યાનો પ્રયાસ કરવા અંગે ઈજનેર યુવાન કેયુર હિતેશભાઈ શુકલા અને તેની પ્રેમિકા સુનીતાબેન મનજીભાઈ કાતરીયા સામે ફરિયાદ નોંધાવતાં સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ.ચાવડા અને તેઓની ટીમ બનાવનાર સ્થળે ઉપરાંત જી.જી.હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સહિતની કલમ 109(1), 351(3), 54 તેમજ જીપીએક્ટ કલમ 135(1) મુજબ નોંધ્યો છે. જે બંને આરોપીઓ હાલ ભાગી છુટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કવિતાબેન, કે જેનો ભાઈ કરણ દિલીપભાઈ ભટ્ટી કે જેણે આરોપી કેયુર શુક્લા તેની ગર્લફ્રેન્ડ સુનિતાબેન કાતરીયા સાથે ફરવા ગયો હોવાની માહિતી સુનિતાબેનના પિતાને ફોનથી કરી દીધી હોવાથી તેનું મન દુઃખ રાખીને બંને આરોપીઓ કરણના ઘર પાસે આવી પહોંચ્યા હતા, અને મારી નાખવાના ઇરાદે હુમલો કરી દીધો હતો જેમાં છરીનો એક ઘા કરણભાઈની છાતીમાં લાગ્યો હતો, અને તેમાં તેને ગંભીર ઇજા થઈ છે. સમગ્ર મામલે પી.આઈ. એન.એ.ચાવડા વધુ તપાસ ચલાવે છે.