– એલ.જી. ચૌધરીને 17.42 કરોડમાં કામ સોંપાયેલું
કપડવંજ : કપડવંજ તાલુકાના તૈયબપુરાથી નાની ઝેર સુધી આઠ ગ્રામ પંચાયતના રોડનું કામ દોઢ વર્ષ થવા છતાં અધૂરું છે. ડામરનો રોડ બન્યાવ્યો છે પરંતુ, વચ્ચે આરસીસી રોડના ટુકડાવાળો રોડ હજી તૈયાર કરાયો નથી. ત્યારે સત્વરે રોડ બનાવવા માંગણી ઉઠી છે.
કપડવંજ તાલુકાના તૈયબપુરાથી નાની ઝેર સુધી આઠ ગ્રામ પંચાયતના ૧૮.૫ કિ.મી.ના રોડનું કામ ઈજારેદાર એલ.જી. ચૌધરીને રૂા. ૧૭.૪૨ કરોડના ટેન્ડરથી સોંપાયું હતું. રોડની સમય મર્યાદા ૧૧ મહિના એટલે કે તા. ૩૦-૧૦-૨૦૨૩ નક્કી કરવામાં આવી હતી. પરંતુ, રોડના કામમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે સંકળાયેલા કનુભાઈ પટેલનું રોડના બિલની લેવડદેવડ બાબતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધા બાદ રોડનું કામ અટક્યું હતું. ત્યારે ડામરના નવનિર્મિત રોડ ઉપર તૈયબપુરા, જગડુપુર, પીરોજપુર, લાડુજીના મુવાડા, વઘાસ, નાની ઝેર સુધીના અંદાજે ૬ કિ.મી. આરસીસી રોડના ટુકડાવાળો રોડ હજી પણ તૈયાર કરવામાં આવ્યો નથી. રોડ અધૂરો હોવાથી વાહન પસાર થાય ત્યારે ધૂળ ઉડી રહી હોવાથી સામેનું વાહન દેખાતું નથી. રોડની ધારો ઉપર પુરતું પુરાણ પણ કરાયું નથી. ડામરના રોડ પર સફેદ પટ્ટા પણ નહીં દારવાના લીધે અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે. ત્યારે વહેલી તકે અધૂરો રોડ પૂર્ણ કરાય તેવી લોકોની માંગણી છે.
અઠવાડિયામાં કામ શરૂ થઈ જશે નાયબ કાર્યપાલક ઈજનેર
આ અંગે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ કિશોરીએ જણાવ્યું હતું કે, અઠવાડિયામાં કામ શરૂ થઈ જશે.