– તંત્રને રજૂઆત છતાં સમસ્યા અધ્ધરતાલ
– દૂષિત પાણી ભરાઈ રહેતા રોગચાળાની દહેશત : રોડ પર લીલ જામી જતાં વાહન ચાલકોને અકસ્માતની ભીતિ
ધોળકા : ધોળકા કાલિકુંડની દ્વારકાપુરી સોસાયટીનાં જાહેર માર્ગમાં ગટરનું પાણી રેલાતા રહિશોની હલાકી વધી છે. ગટરના દૂષિત પાણી અંગે ઝોનલ ઓફિસમાં અનેકવાર લેખિત અને મૌખીક રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
ધોળકા કલિકુડ સરોડા રોડ ઉપર આવેલી દ્વારકાપુરી સોસાયટીનાં પાછળનાં વિસ્તારના જાહેર માર્ગ ઉપર લાંબા સમયથી ઉભરાતી ગટરનાં પાણીથી રહિશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સોસાયટીના રહિશોએ મફલીપુર ઝોનલ ઓફિસ અને લાગતા વળગતા રાજકિય અગ્રણીઓને અનેકવાર મૌખીક અને લેખિત રજૂઆત કરી છે. છતાં આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. સતત દુષિત પાણી ભરાવાના કારણે રોડ ઉપર લીલજામી ગઈ છે. જેથી રાહદારીઓ તથા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ દૂષિત પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. રસ્તા પર રેલાતા દૂષિત પાણીની સમસ્યાનો તાકિદે ઉકેલવામાં આવી તેવી સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે.