– બન્ને કેસમાં બે ગણી રકમના દંડનો કોર્ટે હુકમ કર્યો
– બાકી રકમની ઉઘરાણી કરતા શખ્સે ખોટી સહી કરી બે વેપારીને અલગ-અલગ ચેક આપ્યા હતા
ભાવનગર : બોટાદમાં હીરા વેપારીને ચેક બાઉન્સના અલગ-અલગ બે કેસમાં કોર્ટે એક-એક વર્ષ કેદની સજા અને બે ગણી રકમનો દંડ ફટકાર્યો છે.
બોટાદના ગઢડા રોડ, આનંદધામ ગેટ નં.૧માં રહેતો અને હીફલી, શેરી નં.૭માં ફોરપીનું હીરાનું કારખાનું ચલાવતો નરેશ મોહનભાઈ કણઝરિયાએ હીરાના કારખાનેદાર જયેશભાઈ જીવણભાઈ કણઝરિયા પાસેથી રૂા.૧,૩૦,૦૫૦ની કિંમતના ૨૬.૦૧ કેરેટ તૈયાર હીરા લીધા બાદ તે રકમનો ચેક આપતા જયેશભાઈએ ચેકને ખાતામાં ક્લિયરન્સ માટે જમા કરાવતા ‘ડોઅર સિગ્નેચર ડિફર’ના શેરામાં રિટર્ન મેમા સાથે પરત ફર્યો હતો. જે અંગે હીરાના વેપારીએ શખ્સ સામે કોર્ટમાં ફરિયાદ કરતા બોટાદના એડી. જ્યુડી. મેજી. ફર્સ્ટ ક્લાસ બી.જી.સોલંકીએ રજૂ થયેલા આધાર-પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી નરેશ કણઝરિયાને એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.૨,૬૦,૧૦૦નો દંડ ફટકારી ફરિયાદીને વળતર પેટે આરોપીએ રૂા.૧,૩૦,૦૫૦ ચૂકવવા હુકમ કર્યો હતો.
બીજા એક કેસમાં નરેશ કણઝરિયાએ તેના મિત્ર અને હીરાનું કારખાનું ચલાવતા અજયભાઈ હસમુખભાઈ મકવાણા (રહે, ગઢડા રોડ, કુબેરનગર, આનંદધામ ગેટ નં.૧) પાસેથી હાથઉછીના લીધેલા સવા લાખ રૂપિયાનો ચેક આપી તેમાં ખોટી સહી કરતા ચેક પરત ફર્યો હતો. જે અંગે અજયભાઈએ કરેલી ફરિયાદની સુનવણી થતાં ન્યાયાધિશ બી.જે.સોલંકીએ આ કેસમાં પણ નરેશ કણઝરિયાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા, અઢી લાખનો દંડ અને દંડની રકમમાંથી ફરિયાદીને સવા લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.