Bharuch Liquor Smuggling : ભરૂચ એલસીબીએ પાનોલી જીઆઇડીસીમાં કટીંગ થાય તે અગાઉ કન્ટેનરમાં ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં છુપાવેલ વિપુલ પ્રમાણમાં દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ બિયરના 4629 નંગ, ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક સામાન તથા કન્ટેનર સહિત કુલ રૂ.68.47 લાખ ઉપરાંતનો મુદામાલ કબજે કરી અન્ય ત્રણ શખ્સોને ફરાર જાહેર કર્યા હતા.
ભરૂચ એલસીબી ટીમને બાતમી મળી હતી કે, પાનોલી જીઆઇડીસીમાં બંધ બોડીના કન્ટેનરમાં દારૂનો જથ્થાનું કટીંગ થવાનું છે. જેના આધારે પોલીસે મેઘમણી કંપની તરફ જવાના માર્ગ ઉપરથી બાતમી મુજબના કન્ટેનરને શોધી કાઢી ચાલક રાજસ્થાનના સંતોષ સોનલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. ચાલકે કન્ટેનરમાં ટીવી, એલસીડી, ફ્રીજ, કોમ્પ્યુટર હોવાનું જણાવી રૂ.33,10,064 નું બિલ દર્શાવ્યું હતું. પોલીસે તલાસી લેતા ખાનગી કંપનીના ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં છુપાવેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પાનોલી પોલીસે રૂ.15,27,420ની કિંમતના દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન નંગ 4629, કન્ટેનર, રૂ.33,10,064 ની કિંમતના એલસીડી, ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટર નંગ 86, સહિત કુલ રૂ.68,47,484નો મુદામાલ કબજે કરી ચાલકની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, મિત્ર ગોપાલસિંગ ઉર્ફે ગોપી રાજપુતએ મને કહ્યું હતું કે, મેં દમણ તથા સેલવાસથી દારૂ મેળવી ગુજરાતમાં સપ્લાય કરું છું. તું તારા કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરી લાવીશ તો તને એક ટ્રીપના રૂ.20 થી 25 હજાર આપીશ. ગઈ તા.21 ઓગસ્ટના રોજ મેં ભીવંડીથી ઇલેક્ટ્રોનિક સામાન ભરીને તલાશરી બોર્ડર પહોંચ્યો હતો. જ્યાંથી મેં અને ગોપાલસિંગ સેલવાસ પહોંચતા ચેતનભાઇ નામની વ્યક્તિએ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. ત્યારબાદ પાનોલી લેન્ડમાર્ક હોટલથી એક કારની પાછળ જવા દઈ પાનોલી જીઆઇડીસી પહોંચ્યા હતા. પોલીસની ગંધ આવતા ગોપાલસિંહ તથા કારચાલક નાસી છૂટ્યા હતા.