વડોદરા, તા.23 વડોદરા જિલ્લામાં દારૃ પીને વાહન હંકારનારાઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસ રોડ પર ઉતરી પડી હતી. માત્ર એક દિવસમાં જ ૬૩ પીધેલા વાહનચાલકોને ઝડપી પાડી તેઓની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લામાં નવા એસપીએ ચાર્જ લેતા જ દારૃડિયાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા શખ્સોને ઝડપી પાડવાનું જણાવતા ગઇકાલે સમગ્ર જિલ્લા પોલીસ હાઇવે પર ઉતરી આવી હતી અને દારૃ પીને વાહનો હંકારતા વાહનચાલકોને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરાઇ હતી.
ટુ-વ્હિલર અથવા રિક્ષાચાલકોને રોકીને તેઓ દારૃ પીધેલા છે કે નહી તેની તપાસણી કરતા કુલ ૬૩ વાહનચાલકો પીધેલા જણાયા હતાં. સૌથી વધુ ડભોઇ પોલીસે ૮ પીધેલા પકડયા હતા જ્યારે કરજણ અને વરણામા પોલીસે સાત-સાત દારૃનો નશો કરીને વાહન હંકારનારા સામે કેસો કર્યા હતાં. આ ઉપરાંત પાદરામાં ૪, મંજુસરમાં ૫, ચાણોદમાં ૧, જરોદમાં ૬, શિનોરમાં ૩, તાલુકામાં ૩, ભાદરવામાં ૨, વાઘોડિયામાં ૪, ડેસરમાં ૪, વડુમાં ૪ અને સાવલીમાં ૫ કેસ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના નોંધાયા હતાં.