– ગોવાના પાંચ કેસિનો સહિત 31 સ્થળે ઇડીના દરોડા
– સોનાની કિંમત રૂ. 6 કરોડ, 10 કિલો ચાંદી, આંતરરાષ્ટ્રીય કેસિનો અને ફાઇવ સ્ટાર હોટેલોના કાર્ડ મળ્યા, 17 ખાતા ફ્રીઝ
નવી દિલ્હી : ઓનલાઇન ગેમિંગ બિલ પંસદમાં પસાર કરી દેવાયું અને હવે કાયદા તરીકે અમલમાં આવી ગયું છે. આ સ્થિતિ વચ્ચે જ કેન્દ્રીય એજન્સી ઇડીએ ઓનલાઇન ગેમિંગ સામે મોટી કાર્યવાહી કરી છે અને કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય કે. સી. વીરેન્દ્ર પપ્પીની ધરપકડ કરી છે. આ સાથે જ ઇડીએ ગોવાના પાંચ કસીનો સહિત કુલ ૩૧ સ્થળોએ દરોડા પાડયા હતા. જેવામાં ગોવા ઉપરાંત ગંગટોક, ચિતદુર્ગા, બેંગલુરુ, જોધપુર, મુંબઇ વગેરેનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યના ઘરેથી ૧૨ કરોડ રૂપિયા રોકડા અને છ કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરી છે.
ઇડીએ કર્ણાટકના ચિતદુર્ગા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય કે. સી. વીરેન્દ્ર અને અન્ય લોકોની સામે ઓનલાઇન તેમજ ઓફલાઇન સટ્ટો રમવાના મામલામાં કેસ દાખલ કર્યો હતો. ઇડીએ દેશભરમાં આશરે ૩૧ સ્થળોએ મોટા પાયે તપાસ અભિયાન ચલાવ્યું હતું જેમાં ગોવામાં આવેલા પાચ કસીનો પપ્પીસ કસીનો ગોલ્ડ, ઓશન રિવર્સ કસીનો, પપ્પીસ કસીનો પ્રાઇડ, ઓશન-૭ કસીનો અને બિગ ડેડી કસીનોનો સમાવેશ થાય છે. ઇડીના દાવા મુજબ કોંગ્રેસ નેતા વીરેન્દ્ર ઓનલાઇન સટ્ટામાં સામેલ છે અને કિંગ૫૬૭, રાજા૫૬૭, પપ્પીસ ૦૦૩ વગેરે ગેમિંગ ચલાવતા હતા. તેમના ભાઇ કે. સી. થીપેસ્વામી દુબઇથી ડાયમન્ડ સોફ્ટેક, ટીઆરએસ ટેકનોલોજી અને પ્રાઇમ૯ટેક્નોલોજી નામના ત્રણ બિઝનેસ ચલાવે છે. આ ત્રણેય ધંધા વીરેન્દ્રના કોલ સેન્ટર સર્વિસ અને ગેમિંગ વેપાર સાથે જોડાયેલા છે. એવા અહેવાલો છે કે કોંગ્રેસના આ ધારાસભ્ય પાસે ૦૦૩ નંબરની અનેક વૈભવી કાર પણ છે જે પણ એજન્સીના રડારમાં છે. જે પણ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે તેમાં આંતરરાષ્ટ્રીય કસીનોના સભ્યપદના કાર્ડનો પણ સમાવેશ થાય છે. જેમ કે એમજીએમ કસીનો, મેટ્રોપોલિટન કસીનો વગેરે. એજન્સીએ હાલ આરોપીઓના ૧૭ જેટલા બેન્ક ખાતા અને ૨ લોકર ફ્રોઝ કર્યા છે. કેટલાક ફાઇવ સ્ટાર હોટેલના મેમ્બરશિપ કાર્ડ પણ મળી આવ્યા છે. ઇડીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્ય વીરેન્દ્રને સિક્કીમની રાજધાની ગંગટોકમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમની સામે ગેરકાયદે ઓનલાઇન અને ઓફલાઇન સટ્ટો રમાડવા બદલ મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. તેમને બાદમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાયા હતા. એજન્સીએ ૧૨ કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે તેમાં એક કરોડ વિદેશી નાણાનો પણ સમાવેશ થાય છે. આશરે છ કરોડ રૂપિયાનું સોનું, ૧૦ કિલો ચાંદી અને ચાર વૈભવી કાર જપ્ત કરી છે. જોકે ઇડીની આ કાર્યવાહી મુદ્દે કોંગ્રેસ દ્વારા હજુસુધી કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.