Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામમાં રહેતી એક યુવતીને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા છે. પ્રેમિકાના માતા પિતાએ જાહેરમાં પોતાની પુત્રી ઉપર હુમલો કરી દીધો હતો, જ્યારે તેણીને છોડાવવા માટે વચ્ચે પડેલા પ્રેમી પતિને પણ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામમાં રહેતી વૈશાલીબેન ધર્મેન્દ્રભાઈ ચૌહાણ નામની 19 વર્ષની યુવતી કે જેણે તાજેતરમાં જ કાલાવડમાં રણુજા રોડ પર રહેતા સાગર મુકેશભાઈ મકવાણા સાથે તાજેતરમાં પોતાના માતા પિતાની મરજીની વિરુદ્ધમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા.
આથી વૈશાલીબેનને માતા વિજયાબેન ધર્મેન્દ્રભાઈ ચૌહાણ અને પિતા ધર્મેન્દ્રભાઈ તુલસીભાઈ ચૌહાણને પસંદ પડ્યું ન હતું, અને તે મન દુઃખના કારણે માતા-પિતા બંને કાલાવડમાં એક પાણીપુરીની રેકડી પાસે પોતાની પુત્રી વૈશાલી ઉભી હતી, ત્યાં ગઈકાલે સાંજે 5.30 વાગ્યાના અરસામાં માતા-પિતા પહોંચ્યા હતા, અને વૈશાલીબેન પર હુમલો કરી દીધો હતો.
તેણીના વાળ પકડી ઢસડી જેમ ફાવે તેમ ઝાપટો મારીને ઢોરમાર માર્યો હતો. આ સમયે તેણીનો પ્રેમી પતિ સાગર મકવાણા જે છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો, દરમિયાન બંને આરોપી દંપતિએ તેના ઉપર પણ હુમલો કરી દીધો હતો, અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે આ મામલો કાલાવડ ટાઉન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને એ.એસ.આઈ. વી.ડી.ઝાપડિયાએ વૈશાલીબેનની ફરિયાદના આધારે તેણીના માતા-પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.