– વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા
– અમદાવાદ મહિસાગરની ઘટના બાદ ગઢડાનું શિક્ષણ તંત્ર જાગૃતિના પગલા લીધા
ગઢડા : અમદાવાદ મહિસાગરની શાળામાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાના પગલે ગઢડા તાલુકાની શાળાઓના આચાર્યો દ્વારા વિદ્યાર્થીની સુરક્ષા માટે દફતર તપાસવાનું શરૂ કર્યું.
અમદાવાદ અને મહીસાગર જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓની મોત સહિત બનેલી ઘટનાને પગલે ગઢડા તાલુકામાં શિક્ષણ વિભાગ સક્રિય બન્યું છે. આ અંતર્ગત તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્ત જાળવવા માટે વિશેષ પગલા લેવામાં આવ્યા છે. ખાસ કરીને ગઢડા અને ઢસા વિસ્તારની શાળાઓમાં શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થી બેગની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર બાબતે ગઢડા બી.આર.સી. રાજદીપસિંહ રાઓલે જણાવ્યું હતું કે, આ પગલા વિદ્યાર્થીઓને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ પુરૂ પાડવા માટે લેવામાં આવ્યા છે જેના કારણે શાળાઓમાં નિયમિત બેગ ચેકિંગની સાથે શિસ્ત માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. આ અભિયાન વિદ્યાર્થીઓને દંડવા માટે નહીં, પરંતુ તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવ્યું છે.