Vadodara Court Case : ફાઇનાન્સના ધંધામાં 10 ટકા નફાની લાલચે ત્રણ વ્યક્તિઓ પાસે રૂ. 86.99 લાખનું રોકાણ કરાવી રૂ.54.39 લાખ પરત ન આપી ચીટીંગના ગુનામાં સંડોવાયેલ અરજદાર આરોપી પંકજ હરગોવિંદભાઈ બુધરાણી (રહે – નીલામ્બર આંગન, સોમા તળાવ) ની આગોતરા કોર્ટે નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.
ફરિયાદી રાહુલ પવારની સોસાયટીમાં વર્ષ 2022માં અરજદાર આરોપી પંકજ બુધરાણી ભાડેથી રહેતો હતો. તે પોતે પેઢીઓ અને નાના-મોટા વેપારીને ફાઇનાન્સ આપતો હોય નાણાનું રોકાણ કરશો તો 10 ટકામાંથી 3 ટકા નફો આપવા તેને આપવો પડશે તેમ જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ અલગ અલગ લોન મેળવી, ક્રેડિટ કાર્ડમાંથી તથા સોનું ગીરવે મૂકી અને ટુકડે ટુકડે રૂ.16.69 લાખનું રોકાણ કર્યું હતું. જેની સામે ફરિયાદીને માત્ર રૂ 5.14 લાખ પરત ચૂકવ્યા છે. તેવી જ રીતે ફરિયાદીના મિત્ર વીકી પવાર પાસે પણ ટુકડે ટુકડે રૂ.32.66 લાખનું રોકાણ કરાવી રૂ.11.45 લાખ પરત આપ્યા છે. અન્ય એક મિત્ર અંકિતકુમાર બારોટ પાસે પણ રૂ.37.63 લાખનું રોકાણ કરાવી રૂ.16 લાખની રકમ પરત આપી છે. આમ, કુલ રૂ.86,99,072 નું રોકાણ કરાવી 32,59,889 પરત આપી બાકીના રૂ.54,39,189 પરત ન આપી ચીટીંગ અંગેનો ગુનો અરજદાર આરોપી સામે કપૂરાઇ પોલીસ મથકે નોંધાયો છે. આ ગુનામાં પોલીસ ધરપકડ કરશે તેવી બીકે પંકજે કોર્ટમાં પોતાની આગોતરા જામીન અરજ રજૂ કરી હતી. જે અરજની 11માં એડિ. સેશન્સ જજ રમેશકુમાર બી.ઇટાલીયાની કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ કોર્ટે નોંધ્યું હતું કે, ગુનાની તપાસ હજુ શરૂઆતના તબક્કે હોય વધુ તપાસ માટે અરજદાર આરોપીની હાજરી જરૂરી બની શકે છે. તપાસના કાગળો પરથી અરજદાર આરોપીને ખોટી રીતે સંડોવી દીધા હોય તેવું માનવાને કોઈ કારણ જણાતું નથી.