મુંબઈ : વર્તમાન વર્ષના જૂનની સરખામણીએ જુલાઈમાં દેશની ક્રુડ તેલની આયાત ૮.૭૦ ટકા જેટલી ઘટી ૧.૮૫ કરોડ ટન સાથે ૧૮ મહિનાની નીચી સપાટીએ રહી હોવાનું સરકારી ડેટા જણાવે છે. ફેબુ્રઆરી, ૨૦૨૪ બાદ ગત મહિને ક્રુડ તેલની આયાત સૌથી નીચી જોવા મળી છે. વર્તમાન મહિનામાં રશિયા ખાતેથી ખરીદીમાં વધારો થયાનું જણાવાઈ રહ્યું છે.
વિશ્વમાં ભારત ક્રુડ તેલનો ત્રીજો મોટો આયાતકાર અને વપરાશકાર દેશ છે.
ગયા વર્ષના જુલાઈની સરખામણીએ આયાતમાં ૪.૩૦ ટકા ઘટાડો થયો છે. ગયા વર્ષના જુલાઈમાં આયાત આંક ૧.૯૪ કરોડ ટન રહ્યો હતો એમ પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ વિભાગના ડેટા જણાવે છે.
રશિયા પાસેથી ક્રુડ તેલની ખરીદીને લઈને અમેરિકા ભારતની સતત ટીકા કરી રહ્યું છે અને ક્રુડ તેલની ખરીદી અટકાવી દેવા આગ્રહ પણ થઈ રહ્યો છે. પરંતુ ભારતની ઓઈલ રિફાઈનરીઓ દ્વારા ખરીદી ચાલુ રહી હોવાનું તાજેતરના એક અહેવાલમાં જણાવાયું હતું.
વર્તમાન મહિનામાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની દૈનિક ખરીદી વધીને વીસ લાખ બેરલ પહોંચી ગયાનું અગાઉના એક અહેવાલમાં જણાવાયું હતું. ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં ભારતની ક્રુડ તેલની સરેરાશ દૈનિક ખરીદી બાવન લાખ બેરલ રહી છે જેમાંથી ૩૮ ટકા અથવા અંદાજે વીસ લાખ બેરલ રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.
પશ્ચિમ એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા તથા દક્ષિણ અમેરિકા સહિતના મથકો ખાતેથી ભારત ક્રુડ તેલની આયાત કરે છે. યુદ્ધ પહેલા રશિયા ખાતેથી આયાત નીચી હતી અને અન્ય દેશો ખાતેથી ૮૦ ટકા જેટલી થતી હતી.