ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન, કપાસના ભાવ ગગડવાની આશંકા
વિદેશી કપાસ પર આયત ડયુટી નાખવા માંગ ઃ માંગ નહીં સંતોષાય તો ખેડૂતોની મહાપંચાયત યોજવાની ચીમકી
સુરેન્દ્રનગર – કેન્દ્ર સરકારે વિદેશથી આયાત થતા કપાસ પર ૧૧ ટકા આયાત ડયુટી રદ કરવાના નિર્ણય સામે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન આપી વિદેશી કપાસ પર આયત ડયુટી નાખવા માંગ કરી છે. તેમજ માંગ નહીં સંતોષાય તો ખેડૂતોએ મહાપંચાયત યોજવાની ચીમકી ઉચ્ચારી છે.
રાજ્યમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. તાજેતરમાં સરકાર દ્વારા વિદેશથી તેમજ ખાસ કરીને અમેરિકાથી આયાત કરવામાં આવતા કપાસ પરનો ૧૧ ટકા ટેક્સ (ડયુટી) રદ કરવાનો નિર્ણય કર્યોે છે. જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યના ખેડૂતોને નુકસાન પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ૩,૬૬,૯૧૯ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. આગામી ઓક્ટોબર મહિનામાં ઝાલાવાડના ખેડૂતોનો કપાસ બજારમાં વેચાણ માટે આવવાનો છે અને ચાલુ વર્ષે ખેડૂતોને કપાસના પ્રતિ મણ રૃ.૨૦૦૦થી વધુ ભાવ મળવાની આશાઓ બંધાઈ છે તેવા સમયે સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને લીધા વગર વિદેશથી થતા કપાસની આયાત પર ડયુટી નાબૂદ કરવાનો નિર્ણય લેતા ઝાલાવાડના ખેડૂતોનો કપાસ વેચ્યા વગર ઘરમાં પડયો રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.
એક તરફ ખેડૂતોને પાક નુકસાની અંગે સરકાર દ્વારા વળતર ચૂકવવામાં નથી આવતું ત્યારે બીજી બાજુ હવે વિદેશથી આયાત થતા કપાસ પર ડયુટી નાબૂદ કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે ખેડૂતો દ્વારા સરકારના ‘ખેડૂત વિરોધી નિર્ણય’ મામલે સુત્રોચાર સાથે વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ તકે ખેડૂતોએ વિવિધ પોસ્ટરો સાથે તેમજ સરકાર દ્વારા ખેડૂતોના હાથ પગ બાંધી દીધા હોવાથી પ્રતિકરૃપે દોરડા બાંધી વિરોધ કર્યોે હતો અને સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત પર ડયુટી નાબૂદ કરવાના નિર્ણયમાં ફેરબદલ કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી અને આ અંગે યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યભરના ખેડૂતોને સાથે રાખી મહાપંચાયત યોજવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લાભરના ખેડૂતો સહિત રાજકીય પક્ષના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.