Surat Corporation : આગામી ઓક્ટોબર માસમાં દુબઈ ખાતે એશિયા પેસેફિક સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમીટમાં સુરતને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દુબઈમાં છે અને મેયર ભાગ લેવા જશે તે માટે મેયરના વિદેશ પ્રવાસ સહિતની અન્ય કામગીરી માટે સરકારની મંજૂરી લેવા માટેની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
સ્વચ્છતા સર્વેક્ષણ લીગમાં સુરત દેશમાં પ્રથમ ક્રમ આવ્યા બાદ સુરતમાં અન્ય શહેરોના પ્રતિનિધિઓ આવી રહ્યા છે. સાથે સાથે સુરતને મોટી ઇવેન્ટમાં ભાગ લેવા માટે આમંત્રણ મળી રહ્યું છે. આગામી દિવસોમાં દુબઈ ખાતે એશિયા પેસિફિક સમિત અને મેયર ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. 27 થી 29 ઓક્ટોબર દરમિયાન ત્રણ દિવસનો કાર્યક્રમ થશે. જેમાં પહેલા દિવસે વિકસિત અને વિકાસશીલ શહેરોમાં સ્કેલેબલ અને નાગરિકોના સશક્તિકરણની સાથે ટેકનોલોજી આધારિત પ્રગતિ થકી સંતુલિત વિકાસ અને બીજા દિવસે શહેરોની વધતી જતી વસ્તી અને વિસ્તાર ધ્યાને રાખીને પરિવહન નેટવર્ક, ડિજિટલ માળખાગત સુવિધાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સિવાય ત્રીજા દિવસે ક્લાઈમેટ ચેન્જના કારણે શહેર અને શહેરીજનો પર થનાર આબોહવાને અસર, કુદરતી આફતો અને આર્થિક અસ્થિરતા સામે નાગરિકો અને શહેરોને મજબૂત બનાવવા ચર્ચા કરી તેના ઉપાય દર્શાવવામાં આવશે.
અતિ મહત્વની ગણાતી એશિયા પેસિફિક સમિત અને મેયર ફોરમ માટે સુરત પાલિકાને આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમનાં આયોજક એક્સપો સિટી દુબઈ દ્વારા સુરતના મેયર દક્ષેશ માવાણીને પણ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી વિદેશ પ્રવાસ જનાર હોય, આ કાર્યક્રમમાં ભાગ લેવા જેના માટે થનાર મુસાફરી અને આનુસાંગિક ખર્ચ આમંત્રણ આપનારી સંસ્થા દ્વારા ભોગવવામાં આવશે. પાલિકાની સામાન્ય સભામાં ભુતકાળમાં ઠરાવ થયો હતો. તે નિયમોને આધિન વિદેશમાં કોઈ પણ સમયની કોઈ પણ પ્રકારની ટ્રેનીંગ વિગેરે માટે જે તે કિસ્સામાં તે ટ્રેનીંગની અગત્યતા વિગેરે ધ્યાનમાં લઈ જે તે કિસ્સામાં સામાન્ય સભાને મંજૂરી લેવાની રહે છે. તેથી આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે મંજુર થયા બાદ રાજ્ય સરકારની મંજૂરી મળશે ત્યારબાદ મેયર દુબઈ પ્રવાસે જઈ શકશે. એક્સપો સિટી દુબઈ દ્વારા આયોજીત ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેન્ટર ઓફ કનેક્શન અને સેન્ટર ઓફ સોલ્યુશન સહિતના મુદ્દે વિવિધ દેશોના પ્રતિનિધિ અને મેયર દ્વારા સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવશે.