– ધ્રાંગધ્રા-કુડા રોડ ઉપર વાહન ચાલકોને હાલાકી
– અધિકારીઓ અને તજજ્ઞા દ્વારા ચકાસણી બાદ બ્રિજ જોખમી જણાઈ આવતા તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા- કુડા રોડ ઉપર કુડા ગામ પાસે આવેલા ઓવરબ્રિજની અધિકારીઓ, તજજ્ઞાની ટીમે તપાસણી કર્યા બાદ ક્ષતિગ્રસ્ત જણાતા વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે. તંત્રએ આ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ પણ કરી દીધું છે.
તાજેતરમાં વડોદરાના પાદરા ખાતે આવેલ બ્રીજનો એકભાગ તુટી પડતા ૨૦થી વધુ લોકોના મોત નીપજ્યા બાદ સરકાર દ્વારા તમામ જીલ્લામાં વહિવટી તંત્રને પુલો તેમજ ઓવરબ્રીજનું ચેકીંગ હાથધરી સલામતી અંગે કાર્યવાહી કરવાની સુચનાઓ આપી છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લામાં ધ્રાંગધ્રા-કુડા રોડ પર કુડા ગામ પાસે આવેલ બ્રીજ જોખમી જણાઈ આવતા ભારે વાહનોની અવર-જવર પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે મામલે ગાંધીનગરના તાંત્રીક અધિકારીઓ અને બ્રીજના તજજ્ઞા દ્વારા વિસ્તૃત ચકાસણી કર્યા બાદ બ્રીજ પર હાલ ભારે વાહનોની અવર-જવર સલામત ન હોવાનું જણાઈ આવ્યું હતું આથી સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી દ્વારા આ બ્રીજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્તું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ તાત્કાલિક અસરથી કુડા બ્રિજ પર ભારે વાહનોએ પ્રવેશ ન કરવા માટે ચેતવણી દર્શક બોર્ડ લગાવવામાં આવ્યા છે. વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ આ સૂચનાનું પાલન કરે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.