Bharuch Police : ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ભોલાવ જીઆઇડીસી ખાતે દરોડો પાડી બે કારમાં વિદેશી દારૂના જથ્થાનું કટીંગ કરી રહેલ બે શખ્સોને ઝડપી પાડી રૂ.9.98 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર એક મહિલા સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ભોલાવ જીઆઇડીસી ખાતે આવેલ જીએનએફસી પ્લાન્ટની બહાર પાર્કિંગમાં ઇમરાન મહંમદ પટેલ (રહે-રહાડ ગામ ,વાગરા) એક કારમાં દારૂનું કટીંગ કરવાનો છે તેવી બાતમી ભરૂચ સી ડિવિઝન પોલીસને મળી હતી. જે આધારે પોલીસે બાતમી મુજબના સ્થળ ઉપરથી વોચ ગોઠવી એક કારમાંથી બીજી કારમાં દારૂનો જથ્થો મૂકી રહેલ ઇમરાન પટેલ અને હર્ષદકુમાર કાંતિલાલ વાણંદ (રહે-ભોલાવ, ભરૂચ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.1,83,100ની કિંમતની દારૂની 141 બોટલ, 2 મોબાઈલ ફોન અને 2 કાર સહિત કુલ રૂ.9,98,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો કીમ ખાતેથી લખનલાલ નામના વ્યક્તિ પાસેથી લાવી મીનાક્ષીબેન ઇન્દ્રવદન મહેતા (રહે-નવી વસાહત ભરૂચ) તથા મહેન્દ્ર ઉર્ફે ટેલર (રહે-ધોળીકુઈ બજાર, ભરૂચ)ને આપવાનો હોવાની આરોપીઓએ કબુલાત કરી હતી.