વડોદરાઃ સરકારે હવે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ શરુ કરી દીધું છે.આ જ રીતે ૨૦૩૦ સુધીમાં ડિઝલમાં પણ પાંચ ટકા બાયો ફ્યુઅલ ભેળવવાનું લક્ષ્યાંક મૂકયું છે.જેને ધ્યાનમાં રાખીને એમ.એસ.યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સંશોધકોએ બાયો ડિઝલ બનાવી શકે તેવું પોર્ટેબલ પ્રોડક્શન યુનિટ વિકસાવવામાં સફળતા મળી છે.આ યુનિટ થકી રસોઈ બનાવ્યા બાદ ફેંકી દેવાતા ખાદ્ય તેલમાંથી આસાનીથી બાયો ડિઝલ બનાવી શકાય છે.
વિભાગના અધ્યાપક ડો.મેહુલ બાંભણિયા કહે છે કે, ખાદ્ય તેલનો એક કે જ વખત કોઈ વસ્તુ તળવા માટે ઉપયોગ કરવો જોઈએ.આપણા ઘરોમાં કે પછી રેસ્ટોરા અને હોટલોમાં ઉપયોગમાં લેવાયેલુ ખાદ્ય તેલ મોટાભાગે સાબુ બનાવતી કંપનીઓને વેચી દેવામાં આવે છે.લારીઓની વાત અલગ છે.જ્યાં વારંવાર આવું તેલ ઉપયોગમાં લેવાતું હોય છે.તેને બાદ કરીએ તો પણ દેશમાં દર મહિને લાખો ટન ખાદ્ય તેલ વેસ્ટમાં જાય છે.આ જ તેલનો ઉપયોગ કરીને અમે કેવિટેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાયોડિઝલ બનાવતું યુનિટ વિકસાવ્યું છે. કેવિટેશન ટેકનોલોજીમાં મિથેનોલને ખાદ્ય તેલમાં ઉમેરીને યુનિટમાં દાખલ કરવામાં આવે છે.અત્યંત ઉંચા દબાણ સાથે તેમાં ખાદ્ય તેલ પ્રોસેસ થતું હોવાથી ૧૫ થી ૨૦ મિનિટમા ખાદ્ય તેલમાંથી બાયો ડિઝલ છૂટું પડી જાય છે.તેમના જણાવ્યા પ્રમાણે કેવિટેશન ટેકનોલોજીના કારણે ખાદ્ય તેલ ઝડપથી વલોવી શકાય છે.અમારા મશિનની અત્યારની ક્ષમતા ૨૦ લીટરની છે પરંતુ તેને વધારીને ૨૦૦ લીટર સુધીની કરી શકાય છે.
ડિઝલની કિંમત ૧૦ રુપિયા સુધી ઘટી શકે છે
બાયો ડિઝલ ઉમેરીને ટ્રેકટર અને પાણીના પંપને સફળતાપૂર્વક ચલાવ્યા
નાનું યુનિટ ગમે ત્યાં ગોઠવી શકાય છે, ૧૦ લીટર વપરાયેલા ખાદ્ય તેલમાંથી ૯ લીટર જેટલું બાયો ડિઝલ બને છે
પોર્ટેબલ યુનિટ નાનું હોવાથી રેસ્ટોરા, ધાબા કે હોટલ પોતાના સ્થળ પર જ બાયોડિઝલ બનાવી શકે છે.
આ ટેકનિકમાં બાયોડિઝલ બનાવવા માટે પ્રતિ લીટર ૬૦ થી ૭૦ રુપિયાનો ખર્ચ થાય છે.જેમાં વપરાયેલા તેલને ખરીદવાની કિંમતનો પણ સમાવેશ થાય છે.તેને ડિઝલમાં ભેળવવામાં આવે તો ડિઝલની કિંમતમાં પ્રતિ લિટર ૧૦ રુપિયા સુધીનો ઘટાડો શક્ય છે.
ગ્રામ્ય વિસ્તાર માટે આ યુનિટ ઉપયોગી છે.તેમાંથી બનેલું બાયો ડિઝલ અમે ટ્રેકટરમાં કે પછી ખેતરમાં પાણી છોડવા માટે અથવા કૂવામાંથી પાણી કાઢવા માટેના પંપમાં નાંખીને અખતરો કર્યો છે.જેમાં સફળતા મળી છે.પંપમાં તો ૫૦ ટકા સુધી બાયો ડિઝલ ભેળવ્યું હોવા છતા પંપ સરસ રીતે ચાલતો હોય છે.આમ ખેડૂતો પોતાના જ ઘરમાં કે ગામમાં વપરાતા ખાદ્ય તેલને ઉપયોગમાં લઈને બાયો ડિઝલ બનાવી શકે છે
આ યુનિટ થકી કપાસિયા, સિંગતેલ એમ કોઈ પણ પ્રકારના ખાદ્ય તેલમાંથી બાયો ડિઝલ બનાવી શકાય છે.
વપરાયેલા ખાદ્ય તેલમાંથી બનતા બાયોડિઝલની ટકાવારી ૯૦ થી ૯૫ ટકા છે.મતલબ કે ૧૦ લીટર ખાદ્ય તેલમાંથી ૯ થી ૯.૫ લિટર જેટલું બાયો ડિઝલ બની શકે છે.વધેલું તેલ ગ્લિસરોલ તરીકે ઓળખાય છે.જે સાબુ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
ખાદ્ય તેલમાંથી બાયો ડિઝલ બનાવવા કેવિટેશન ટેકનોલોજી જ વિકલ્પ
પરંપરાગત બાયો ડિઝલ બનાવવા માટે લીમડા, મધુકા કે જેટ્રોફામાંથી નીકળતી વનસ્પતિમાં મિથેનોલ ઉમેરવામાં આવે છે અને એ પછી તેને મશિનમાં વલોવવામાં આવે છે.છાશમાંથી માખણ જે રીતે અલગ થાય તે રીતે બાયો ડિઝલ અલગ થાય છે.જોકે પરંપરાગત પધ્ધતિમાં આ પ્રક્રિયા ચાર થી પાંચ કલાક ચાલે છે.ઉપરાંત લીમડો કે જેટ્રોફાના પ્લાન્ટસમાંથી મળતુ તેલ વિપુલ માત્રામાં ઉપલબ્ધ નહીં હોવાથી તેની કિંમત ૧૫૦ થી ૨૦૦ રુપિયા લીટર છે.સાથે સાથે ખાદ્ય તેલમાં ફ્રી ફેટી એસિડનું પ્રમાણ ૨ થી ૫ ટકા જેટલું હોવાથી પરંપરાગત પધ્ધતિથી ખાદ્ય તેલમાંથી બાયો ડિઝલ બનાવવું શક્ય નથી.એટલે કેવિટેશન ટેકનોલોજી જ એક માત્ર વિકલ્પ છે.
ફ્યુલ લેબોરેટરીમાં પણ સફળ ટેસ્ટિંગ
કેવિટેશન ટેકનોલોજી આધારિત પોર્ટેબલ યુનિટમાં બનેલું બાયો ડિઝલ બાયો ડિઝલના આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પર ખરું ઉ તર્યું છે.ગાંધીનગર ખાતેની ફ્યુલ લેબોરેટરીમાં પણ તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ તેની ક્ષમતા પૂરવાર થઈ છે.
ડિઝલ એન્જિનમાં ૨૦ ટકા બાયો ફ્યુલ ભેળવી શકાય છે
ડો.બાંભાણિયાએ મિકેનિકલ એન્જિનયિરિંગ વિભાગના અધ્યાપક ડો.નિકુલ પટેલની મદદથી ડિઝલ એન્જિન પર આ બાયો ડિઝલનું પરિક્ષણ કર્યું હતું અને તેમનું કહેવું છે કે, ડિઝલમાં ૨૦ ટકા સુધી બાયો ડિઝલ ભેળવવાથી કોઈ જાતની પ્રતિકૂળ અસર એન્જિન પર જોવા મળી નથી.ઉલટાનું કાર્બન ડાયોકસાઈડ અને કાર્બન મોનોકસાઈડ જેવા પ્રદૂષક ઘટકોના ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો છે.
વડોદરામાં જ ૧૦૦૦૦ ટન ખાદ્ય તેલ ઉપલબ્ધ થઈ શકે
એક અંદાજ અનુસાર વડોદરા શહેરમાં જ હોટલો, રેસ્ટોરન્ટો, કેટરિંગ ઈન્ડસ્ટ્રી તથા ઘરોમાંથી રોજ ૨૦ થી ૩૦ ટન વપરાયેલુ ખાદ્ય તેલ નીકળે છે.આમ વડોદરામાંથી જ દર વર્ષે ૧૦૦૦૦ ટન જેટલું વપરાયેલું ખાદ્ય તેલ ઉપલબ્ધ થઈ શકે છે.આખા દેશની વાત કરવામાં આવે તો આ આંકડો લાખો ટનમાં થવા જાય છે.