– શ્રદ્ધા,ઉમંગ અને ઉત્સવનો ત્રિવેણી સંગમ
– મહાઆરતી બાદ જય અંબેના જયઘોષ કરતાં ગણેશચતુર્થીના દિને સંઘનું પ્રયાણ : 100 થી વધુ યાત્રિકો જોડાયાં
માંડલ : શ્રદ્ધા,ઉમંગ અને ઉત્સવનો ત્રિવેણી સંગમ એટલે વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીનો દ્વાર… ભાદરવી પુનમે મા અંબાનું પ્રાગટય અને અંબાજી ખાતે લોકમેળો ભરાય છે અને રાજયના ચારેય ખુણામાંથી લાખો શ્રદ્ધાળુઓ માતાજીના ચરણમાં પોતાનું શીશ ઝુંકાવે છે. રાજ્યમાંથી સંઘયાત્રિકો પગપાળા સંઘ લઈને માતાજીના રથ સાથે ગુણગાન ગાતાં માતાજીની પાળે પહોંચે છે એમાંય વિશેષ અમદાવાદ ગ્રામ્ય પંથકમાંથી તેમજ ચુંવાળ વિસ્તારમાંથી અનેક સંઘ અંબાજી જાય છે.
માંડલ ગ્રામ્યના રીબડી ગામેથી ૧૯૯૧માં સૌપ્રથમ જૂજ યાત્રિકો પગપાળા ચાલીને અંબાજી જતાં અને સમયાતંરે માતાજીના ભક્તોમાં વધારો થતાં હવે છેલ્લાં ૨૨ વર્ષથી તો માતાજીના રથ સાથે સંઘયાત્રિકો અંબાજી જાય છે. દરવર્ષની જેમ ગણેશચતુર્થીના પાવન પર્વે રીબડી ગામેથી અંબાજી શક્તિપીઠ ૩૩માં વર્ષે પગપાળા સંઘયાત્રિકો અને માતાજીના રથ સાથે સંઘના શ્રીગણેશ થયાં હતાં. રીબડી ગામના શક્તિ ટોડારી માતાજીના ચોકમાં યાત્રિકો સહિત આખુંય ગામ એકત્ર થયું અને સંથમાં જોડાનાર યાત્રિકોને ટીશર્ટ, ટોપી, ખેસ સહિતનો પ્રસાદ અપાયો હતો. આ વર્ષે રથના યજમાન ભાઈલાલભાઈ મણીલાલ પટેલ પરિવારને અંબાજી માતાજીની પ્રતિમા અને ગોલ્ડન શ્રીયંત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યાં તેમજ અન્ય વિવિધ સેવાઓમાં જોડાનાર યજમાનોના પણ સ્વાગત કરાયાં.
શક્તિ ટોડારી માતાજી મંદિર,રીબડી ખાતેથી મહાઆરતી,માતાજીની સ્તુતિ કરીને ૧૦૦થી વધુ પદયાત્રિકો હાથમાં ધ્વજા લઈ, જય અંબેના જયઘોષ સાથે આ સંઘનો પ્રયાણ કર્યો હતો . આમ રીબડીમાં પણ આજે શ્રદ્ધા, ઉમંગ અને ઉત્સવનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો ધામક માહોલ વચ્ચે સંઘનું પ્રયાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયાં કેટલાંક માતાઓ,બહેનોનો માતાજી પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કર્યો, ગ્રામજનોની આંખમાં આ તકે ઉમંગના આંસુ પણ વહ્યાં હતાં. આ સંઘ અંબાજી ખાતે ૬ દિવસે એટલે કે ભાદરવા સુદ-૧૦ ના આસપાસ પહોંચી જશે અને યાત્રિકો માતાજીની પુજા-અર્ચના અને દર્શનનો લ્હાવો લેશે. સંઘમાં જોડાનાર યાત્રિકો માટે નાસ્તા,જમવાની તેમજ રાત્રિરોકાણ અને જરૂરી આરોગ્યલક્ષી સહિતની સેવાઓ પણ પુરી પાડવામાં આવનાર છે.