– રિક્ષામાં પાછળ ઓળખીતી મહિલાઓને બેસાડતા
– આણંદની ચિખોદરા ચોકડીએ વડોદરાની મહિલા સહિત કરમસદ, તારાપુરમાં ચોરી કર્યાની કબૂલાત
આણંદ : આણંદની ચિખોદરા ચોકડીથી રિક્ષામાં બેઠેલી વડોદરાની મહિલાની નજર ચૂકવી અન્ય બે મહિલાઓ સહિત ચાર શખ્સો દાગીના સહિત રૂા. ૮૬ હજારની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. ત્યારે આણંદ એલસીબી પોલીસે ચોરી કરનારા બે શખ્સોને ઝડપી પાડયા છે.
વડોદરાના અટલાદરામાં રહેતા ૫૦ વર્ષીય વિમળાબેન રવજીભાઈ પઢિયાર રક્ષાબંધન નિમિત્તે પૌત્રને લઈને આણંદ તાલુકાના બોરીયાવી ખાતે રહેતા નાનાભાઈને રાખડી બાંધવા માટે ગત તા. ૮મીએ આવ્યા હતા. સાંજે આણંદની ચિખોદરા ચોકડીએથી વિમળાબહેન પઢિયાર વાસદ સુધી જવા રિક્ષામાં પાછળ બેઠા હતા. રિક્ષામાં આગળ ચાલક અને અન્ય એક પુરુષ જ્યારે પાછળ અન્ય બે મહિલાઓ સવાર હતી. રિક્ષામાં ચાલકની પાસે બેઠેલા શખ્સે બાઈકવાળો શખ્સ પીછો કરતો હોવાનું કહી વિમળાબેનને વાતોમાં મશગુલ કર્યા હતા. દરમિયાન બે મહિલાઓએ વિમળાબહેનના ગળામાંથી સોનાની ચેન, કાનની બુટ્ટીઓ, કડીઓ કાઢી લઈ અને રૂા. ૧૩ હજાર રોડ, મોબાઈલ મૂકેલું પાકિટ સેરવી લીધું હતું. બાદમાં વઘાસી ગામ પહેલા આવતા સવસ રોડ ઉપર ચાલકે વિમળાબેનને રિક્ષામાંથી ઉતારી દીધા હતા. બાદમાં દાગીના, પર્સ ગાયબ જણાતા જેમજેમ કરી વડોદરા પહોંચ્યા બાદ ઘટનાને લઈ તેમની તબીયત લથડી હતી. સ્વસ્થ થતા ગતરોજ આણંદ ગ્રમ્ય પોલીસ મથકે ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આણંદ એલસીબી પોલીસે ગણેશ ચોકડી પાસેથી રિક્ષા સાથે વિક્રમભાઈ છત્રસિંહ રાઠોડ રહે. દહેમી- બોરસદ અને હુસેન ઉર્ફે લંબુ ભીખન શેખ રહે. સુરતવાળાની અટકાયત કરી હતી.
પૂછપરછમાં ૨૦ દિવસ અગાઉ ચિખોદરા ચોકડીથી મહિલા મુસાફરને રિક્ષામાં બેસાડી દાગીના, પર્સની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
બંને શખ્સો પાસેથી રિક્ષા અને રોકડ રૂા. ૧૫ હજાર કબજે કર્યા હતા. બંને શખ્સોએ ત્રણેક દિવસ પૂર્વે કરમસદથી એક વૃદ્ધને રિક્ષામાં બેસાડી ચોરી કરી હતી.
૨૦ દિવસ પૂર્વે તારાપુરની નાની ચોકડીથી અને મહિના ઉપર દેદરડા ખાતેથી બે અલગ અલગ બહેનોના નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.