– વરસાદમાં મોટાભાગના રોડ ખખડધજ થઈ ગયા, રોડના કામ નબળા થતા હોવાની ચર્ચા
– 669 પૈકી 328 ખાડાની ફરિયાદ : 649 ફરિયાદ હલ થઈ ગઈ હોવાનો મહાપાલિકાનો દાવો
ભાવનગર : ભાવનગર શહેરમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વરસાદમાં મોટાભાગના રોડ ધોવાય ગયા છે તેથી ખખડધજ રોડની ફરિયાદ વધી છે અને રોડના કામ નબળા થતા હોવાની ચર્ચા લોકમુખે થઈ રહી છે. રોડ રીપેરીંગ માટે મહાપાલિકાનુ તંત્ર દોડતુ થયુ છે.
શહેરમાં છેલ્લા અઢી માસમાં એટલે કે ગત તા. ૧પ જુનથી અત્યાર સુધીમાં રોડ ખરાબ થઈ ગયાની કુલ ૬૬૯ ફરિયાદ મહાપાલિકાના રોડ વિભાગને મળી છે, જેમાં ૩ર૭ ફરિયાદ તો રોડમાં ખાડા પડયા છે. મહાપાલિકાને રોડ રીપેરીંગ, જનરલ કર્ટીંગ તેમજ અન્ય વગેરે ફરિયાદ મળી છે, જેના પગલે મહાપાલિકાના રોડ વિભાગે કામગીરી હાથ ધરી છે. શહેરના આશરે ર૩.પ૦ કિલોમીટર વિસ્તારમાં રોડ રીપેરીંગની કામગીરી કરાઈ છે, જેમાં અત્યાર સુધીમાં કુલ ૬૪૯ ફરિયાદ હલ થઈ છે, જયારે હજુ ર૦ જેટલી ફરિયાદ બાકી છે તેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે તેમ માહિતી આપતા રોડ વિભાગના અધિકારીએ જણાવેલ છે.
મહાપાલિકાના રોડ વિભાગ દ્વારા ઉઘાડ નિકળ્યા બાદ રોડ રીપેરીંગની કામગીરી કરવામાં આવતી હોય છે અને ખાડા પડયા હોય તેમા પરાજુ નાખવામાં આવે છે. વરસાદના કારણે હાલ ડામરથી કામગીરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત મોટા ખાડા હોય તેમા હાલ પેવીંગ બ્લોક નાખી પેચવર્ક કરવામાં આવે છે. રોડ રીપેરીંગની ફરિયાદ વધતા મહાપાલિકાના રોડ વિભાગની કામગીરી વધી ગઈ છે. ખરાબ રોડથી લોકો પરેશાન છે અને રોડના કામ નબળા થઈ રહ્યા હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે.
3 વર્ષની ગેરેન્ટી પીડીયરવાળા રોડ કોન્ટ્રાકટર પાસે રીપેરીંગ કરાવાય છે : અધિકારી
ભાવનગર શહેરમાં રોડ રીપેરીંગની ફરિયાદના પગલે ૩ વર્ષની ગેરેન્ટી પીડીયરવાળા રોડ કોન્ટ્રાકટર પાસે રીપેરીંગ કરાવવામાં આવી રહ્યા છે, જયારે ૩ વર્ષનો ગેરેન્ટી પીડીયર પૂર્ણ થઈ ગયો હોય તે રોડ રીપેરીંગની કામગીરી મહાપાલિકા દ્વારા કરાવવામાં આવી રહી છે. રોડના પ્રશ્ને કોઈ કોન્ટ્રાકટર સામે પગલા લેવામાં આવ્યા નથી અને જુદી જુદી એજન્સી કામ કરતી હોવાથી ખર્ચની પાક્કી માહિતી હાલ નથી તેમ મહાપાલિકાના રોડ વિભાગના કાર્યપાલક ઈજનેર હિતેશ ચૌધરીએ જણાવેલ છે.
મહાપાલિકાની કામગીરી વચ્ચે પણ હજુ કેટલાક રોડ ખરાબ
ભાવનગર મહાપાલિકાના રોડ વિભાગ દ્વારા રોડ રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ મહાપાલિકાની કામગીરી વચ્ચે પણ કુંભારવાડા, સિદસર, નારી, અધેવાડા, તરસમીયા સહિતના છેવાડાના વિસ્તારમાં કેટલાક રોડ હજુ ખરાબ હાલતમાં જોવા મળી રહી રહ્યા છે તેથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે. લોકો મહાપાલિકાની ટીકા કરી રહ્યા છે ત્યારે રોડ રીપેરીંગની કામગીરી ઝડપી કરવી જરૂરી છે.