બેઈલ આઉટ પેકેજનો બીજો હપ્તો બાકી છે
તમારા 17.6 ટ્રિલિયનના બજેટને સંસદીય મંજૂરી મળવી અનિવાર્ય છે ઊર્જા ક્ષેત્રે સુધારા કરવા જ પડશે
નવીદિલ્હી: આઈ.એમ.એફે. પાકિસ્તાનને આપવામાં આવનારાં બેઈલ-આઉટ-પેકેજનો પહેલો હપ્તો આપી દીધા પછી બીજો હપ્તો આપતાં પહેલાં તેણે પાકિસ્તાન ઉપર ૧૧ શર્તો મુકી છે તે સાથે ચેતવણી પૂર્વક કહ્યું છે કે તમારે ભારત સાથે તંગદિલી ઘટાડવી જ પડશે.
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે પાકિસ્તાન સમક્ષ મુકેલી શર્તોમાં તેને રાજસ્વ (મહેસૂલ)ની આવક વધારવા આદેશ આપ્યો છે. સાથે દેશની આંતરિક પરિસ્થિતિ સુધારવા અને વિદેશો સાથેના વ્યવહારોમાં પારદર્શિતા રાખવા આદેશ આપ્યો છે.
પાકિસ્તાન મીડિયાના જ અહેવાલ પ્રમાણે આઈએમએફે મુકેલી શર્તોમાં એક મહત્ત્વની શર્ત તે છે કે તેનાં ૧૭.૬ ટ્રિલિયન રૂપિયાનાં બજેટને સંસદીય મંજૂરી મળવી અનિવાર્ય છે. આ વૈશ્વિક નાણાંકીય સંસ્થાએ આવક વધારવાનાં એક સ્ત્રોત તરીકે ઇલેક્ટ્રિસીટી બીલ્સ ઉપર ડેટ સર્વિસિંગ સરચાર્જ લગાડવા કહી દીધું છે.
રવિવારે પ્રસિદ્ધ થયેલા આ રિપોર્ટમાં ત્રણ વર્ષથી વધુ જૂની મોટરસાઇકલની આયાત ઉપર મુકેલા પ્રતિબંધો દૂર કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. આનો સીધો અર્થ તે જ થાય કે અમેરિકામાંથી પાકિસ્તાનમાં નિકાસ કરાયેલી ત્રણ વર્ષથી વધુ જૂની કાર, કોઈ પણ આયાત કર સિવાય જ પાકિસ્તાનમાં મળી શકતાં તેની ખપત વધી જ શકશે. જેનો ફાયદો અમેરિકનોને જ થઈ શકે. તેવી જ રીતે બ્રિટન, ફ્રાંસ અને જર્મનીને પણ લાભ મળી શકે.
ટૂંકમાં જમ્મુ અને કાશ્મીરનાં પહેલગાવમાં ૨૬ નિર્દોષ સહેલાણીઓની કરાયેલી હત્યાએ પાકિસ્તાન ઉપર આફત ઉતારી દીધી છે. કદાચ તે હત્યાંકાડ કરાવનાર પાકિસ્તાનમાં ભૂમિદળના વડા મુનિરે તો ધાર્યું હશે કે ભારત તે માટે વિરોધ યાદી મોકલશે. આ મુનીરનું સુંદર સ્વપ્નનું ભારતની બે મહિલા પાયલોટે જ ખતમ કરી નાખ્યું.
આઈએમએફે સૌથી મહત્ત્વની શર્ત તો તે મુકી છે કે બજેટમાં દર્શાવેલા ખર્ચની તમામ માહિતી આઈએમએફને આપવી પડશે. વિકાસ કરવા માટે ૧૦,૭૦૦ અબજ રૂપિયામાંથી વધુ ખર્ચ કરવો પડશે.
આ શર્તો પૈકી સૌથી મહત્ત્વની શર્ત તો પાકિસ્તાનને તેનાં સંરક્ષણ બજેટમાં કાપ મુકવાની છે. સંરક્ષણ માટે પાકિસ્તાને ચાલુ વર્ષે ૨૪૧૪ અબજ રૂપિયા ફાળવ્યા છે જે ગત નાણાંકીય વર્ષના બજેટ કરતાં ૨૫૨ અબજ રૂપિયા વધુ છે. એટલે કે ગત વર્ષનાં સંરક્ષણ બજેટ કરતાં ૧૨ ટકા વધુ છે. આ પહેલાં પાકિસ્તાને ૨૫૦૦ અબજ રૂપિયા સંરક્ષણ ક્ષેત્રે ફાળવ્યા હતા તે ઘટાડી ૨,૪૧૪ અબજ કરવા પડયા છે. એટલે કે પાકિસ્તાન ૧૮ ટકાનો વધારો કરવા માંગતું હતું પરંતુ હવે માત્ર ૧૨ ટકાનો વધારો કરી શકશે.