Vadodara Crime : વડોદરામાં કરજણ તાલુકાના નારેશ્વર ચોકડી પાસે માછી સમાજના લોકો અને દરબારો ભેગા થઈને એકબીજા પર હુમલો કર્યો હતો. દરબારો દ્વારા થયેલા હુમલામાં બે વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી નારેશ્વર પંથકમાં બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે જૂની શાયર ગામમાં રહેતો હાર્દિક રમેશ માછી તેના કુટુંબી શૈલેષ માછીની રેતીની લીઝમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. ગઈકાલે સાંજે તે તેના કુટુંબી ભાઈ હર્ષ કમલેશ માછી સાથે નારેશ્વર ચોકડી પર ફ્રુટ લેવા ગયો હતો અને બંને ચોકડી પર ઉભા હતા. ગામના જીગ્નેશભાઈ માછી ચંપલ લેવા માટે આવેલ જ્યારે નજીકમાં વાળંદની દુકાન ઉપર નરેન્દ્રસિંહ ઉર્ફે મંગો પરમાર વાળ કાપાવવા માટે આવ્યો હતો. જીગ્નેશને જોઈ નરેન્દ્રસિંહે તમે માછીઓ બહુ ફાટી ગયા છો તમારૂ કંઈક કરવું પડશે તેમ કહી જીગ્નેશને માર મારવા લાગ્યો હતો આ વખતે જીગ્નેશે ફોન કરી માછી સમાજના લોકોને પોતાના ગામમાંથી બોલાવ્યા હતા જ્યારે નરેન્દ્રસિંહે પણ ફોન કરી દરબારોને બોલાવ્યા હતા. મારક હથિયારો સાથે આવેલા નરેન્દ્રસિંહના સાગરીતોએ હુમલો કરતા હાર્દિક તેમજ વિનોદ ભગવાન માછીને ગંભીર ઈજા થઈ હતી નારેશ્વર ચોકડી ઉપર બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી દરબાર પક્ષ તરફથી 11 જણાની ધરપકડ કરી હતી.