Image Source: Freepik
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી જય માતાજી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓના ચાર્જિંગમાં રાખેલા ત્રણ મોબાઇલ ફોનની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાનું પોલીસમાં જાહેર થયું છે. ત્રણેય વિદ્યાર્થીઓ નાસ્તો કરવા ગયા દરમિયાન બારીમાંથી કોઈ તસ્કરો મોબાઇલ ફોન ઉઠાવી ગયા હતા. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામના વતની અમિત અરવિંદભાઈ કણજારીયા અને મનીષ પરસોત્તમભાઈ કણજારીયા ઉંમર વર્ષ 21, કે જેઓ બંને પિતરાઈ ભાઈઓ થાય છે, અને જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી જય માતાજી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.
આ ઉપરાંત તેઓને રૂમ પાર્ટનર ભાણવડ તાલુકાના કાટકોલા ગામનો ભાવેશ રામાભાઈ કરંગીયા 21, કે જેઓ ત્રણેય પરમદીને સવારે પોતાના મોબાઈલ ફોનને ચાર્જમાં રાખીને બારી ખુલ્લી રાખીને નાસ્તો કરવા માટે ગયા હતા, તે દરમિયાન થોડી ક્ષણોમાં કોઈ તસ્કરોએ લોબીમાં પ્રવેશ કર્યા બાદ બારીમાં હાથ નાખીને ત્રણેય મોબાઈલ ફોનની ચોરી કરી લીધી હતી.
ત્રણેય વિદ્યાર્થીઓ નાસ્તો કરીને પરત ફરતાં તેઓના મોબાઇલ ફોન ચોરી થઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી આખરે મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય મોબાઇલ ફોન ચોરાઈ ગયા ની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એન. ત્રિવેદી બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને તપાસનો ધંમધમાટ શરૂ કર્યો છે. જોકે હોસ્ટેલમાં કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરા વગેરે ન હોવાથી પોલીસે હોસ્ટેલમાં અભ્યાસ કરતા 30 જેટલા વિદ્યાર્થીઓ તેમજ અન્ય વ્યક્તિઓના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.