Student Beaten by School Trustee In Wankaner: વાંકાનેરમાં શાળાના સંચાલકે વિદ્યાર્થીને માર મારતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. વિદ્યાર્થીના પિતાએ વાંકાનેર જ્ઞાનગંગા સ્કૂલ સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ‘મારો સગીર વયનો દીકરો જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરે છે. જે 26મી ઓગસ્ટના રોજ રીસેશ દરમિયાન નાસતો કરતો હતો. ત્યારે શાળા સંચાલક યોગેન્દ્રસિંહે ત્યાં આવીને તેના ગુપ્ત ભાગે લાત મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો.’
વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જે બનાવ અંગે ડીવાયએસપી વધુ તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવ અંગે શાળા સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે, ‘મને બપોરે ડ્રાઈવર રાજુભાઈએ જાણ કરી કે શાળાના વિદ્યાર્થીઓ હેલિપેડ પાસે ઝઘડો કરે છે. જેથી ત્યાં પહોંચતા બાળકો ભાગી ગયા હતા. બાદમાં 17 જેટલા વિદ્યાર્થીને શોધીને વાલીઓને જાણ કરીને બોલાવ્યા હતા. કોઈ વિદ્યાર્થીને મારકૂટ કે હડધૂત કર્યા નથી.’