– મહીસાગર જિલ્લામાં 123 કરોડના
– સાઠંબામાં છુપાયો હોવાની બાતમી મળતા પોલીસે પકડયો : બે દિવસના રિમાન્ડ મંજૂર
ગોધરા : મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાના ૧૨૩ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા લુણાવાડા વાસ્મો કચેરીના વધુ એક કર્મચારી ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ) અલ્પેશ જયંતિસિંહ પરમારની સીઆઇડી ક્રાઇમની ટીમે સાઠંબા ખાતેથી ધરપકડ કરી હતી.
લુણાવાડા કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી નામંજૂર કરાયા બાદ લુણાવાડા વાસ્મો કચેરીનો આ કર્મચારી મહીસાગરની સરહદે આવેલા અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે છૂપાયો હોવાની બાતમીના આધારે તપાસ ટીમે સાઠંબા ખાતે સર્ચ ઓપરેશન કરીને તેની ધરપકડ કરી હતી.
અલ્પેશને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નલ સે જલના ૧૨૩ કરોડના કૌભાંડમાં અગાઉ બે કર્મચારીઓ અને ચાર ઇજારદારોની ધરપકડ બાદ આજરોજ વધુ એક ધરપકડ થઇ છે.
લુણાવાડા વાસ્મો કચેરીના તત્કાલીન કર્મચારીઓ અને ઇજારદારોને ઝબ્બે કરવા માટે ૧૦ જેટલી તપાસ ટીમો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા કૌભાંડમાં સંડોવાયેલા ઇજારદારો મહીસાગર છોડીને સગા સબંધીઓને ત્યાં છૂપા આશ્રય સ્થાનો શોધવા લાગ્યા છે. કૌભાંડમાં સંડોવાયેલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટીઓ અને તત્કાલીન સરપંચોની યાદી સીઆઇડી ટીમને મળી ગયેલી હોવાથી હવે ટૂંક સમયમાં સકંજો સખત બનશે.