વડોદરા,બાપોદ દશાલાડ ભવન નજીક રહેતા શ્રમજીવીને ગઇકાલે રાતે કરંટ લાગતા તેનું મોત થયું છે. જ્યારે શહેર નજીકના ઉંડેરા ગામે ગણેશ પંડાલ નજીક બેનર લગાવતા ત્રણ વ્યક્તિઓને કરંટ લાગતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બનાવની વિગત એવી છે કે, બાપોદ દશાલાડ ભવનની બાજુમંા નવી બંધાતી સરકારી સ્કૂલમાં કામ કરતા મૂળ રાજસ્થાનના રાજુભાઇ ઓમજીભાઇ ( ઉં.વ.૩૦) ગઇકાલે રાતે લઘુશંકા માટે ઉઠયા હતા. લોખંડનો દરવાજો ખોલતા સમયે કરંટ લાગતા તેઓનું મોત થયું હતું. જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ઉંડેરા ગામ નજીક ગણેશજીના પંડાલ નજીક બેનર લગાવતા સમયે કુલદીપ ભરતભાઇ (ઉં.વ.૧૭), હિરેન હસમુખભાઇ સોલંકી (ઉં.વ.૩૭) અને નરેશભાઇ દલપતભાઇ સોલંકી (ઉં.વ.૩૯) ને કરંટ લાગતા જમણા પગે, ડાબા હાથની કોણી તેમજ હાથ પર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણેયની હાલત સુધારા પર છે.