BJP-Congress Workers Clash: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને માતાને અપશબ્દો કહેવા બદલ આજે ભાજપ અને કંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. દરભંગામાં આરજેડી અને કોંગ્રેસની સંયુક્ત રેલીને સંબોધિત કરતાં પીએમ મોદી અને તેમની માતા વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી કરવા બદલ આજે ભાજપના કાર્યકરોએ પટનામાં કોંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવો કર્યા હતા. બાદમાં આ દેખાવો આક્રમક બન્યા હતાં.
મીડિયા એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા વીડિયોમાં બંને પક્ષના કાર્યકરો એકબીજા સાથે ઝપાઝપી કરતા જોવા મળ્યા છે. તેઓ પક્ષના ઝંડો લઈ એકબીજા પર હુમલો કરી રહ્યા હતા.નજીકના પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ થતાં જ તે ઘટનાસ્થળે પહોંચી હતી.
કોંગ્રેસ નેતાઓએ મૂક્યો આરોપ
કોંગ્રેસના નેતાઓ ભાજપના કાર્યકરો પર આક્ષેપ કર્યો હતો કે, ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયનો ગેટ તોડી અંદર ઘૂસ્યા હતા. તેમણે લાઠીઓ ઉગામી હતી. કાર્યાલયમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડ્યા હતા. પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં કોંગ્રેસના અમુક કાર્યકરોને ઈજા પહોંચી હતી. એક કાર્યકરનું માથુ પણ ફાટી ગયુ હતું. ભાજપના નેતાઓએ સદાકત આશ્રમ સુધી રેલી યોજી રાહુલ ગાંધી અને I.N.D.I.A ગઠબંધનના અન્ય નેતાઓ વિરૂદ્ધ નારેબાજી કરી હતી. આ દેખાવો દરમિયાન ભાજપના કાર્યકરોએ પટનામાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સદાકત આશ્રમમાં તોડફોડ કરી હતી. કોંગ્રેસ કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો. બંને પક્ષોએ એક-બીજા પર લાઠીઓ વરસાવી હતી. પથ્થરમારો પણ થયો હતો. પરિસ્થિતિને અંકુશમાં લેવા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો.
શું હતી ઘટના?
દરભંગામાં બુધવારે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની વોટર અધિકાર રેલી દરમિયાન અમુક લોકોએ મંચ પરથી વડાપ્રધાન મોદી અને તેમની માતા વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી કરી હતી. જો કે, આ ઘટના સમયે રાહુલ ગાંધી કે તેજસ્વી યાદવ મંચ પર ઉપસ્થિત ન હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. પોલીસે આ મામલે આરોપી રિઝવી ઉર્ફ રાજાની ધરપકડ પણ કરી હતી. આ ટીપ્પણીનો ભાજપે વિરોધ નોંંધાવ્યો છે. ભાજપના ધારાસભ્ય નીતિન નાબિને જણાવ્યું હતું કે, બિહારના દરેક દિકરાએ માતાનું અપમાન કરવા બદલ કોંગ્રેસને આકરો જવાબ આપવો જોઈએ. આપણે તેનો બદલો લેવો જોઈએ.
કેન્દ્રીય ગૃહમંત્રીએ માફી માગવા કહ્યું
કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મામલે કોંગ્રેસ અને આરજેડીની આકરી ટીકા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું હતું કે, બિહારના દરભંગામાં પીએમ મોદી અને તેમના સ્વર્ગસ્થ માતાજી વિરૂદ્ધ કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી જે પ્રકારની અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તે અત્યંત ટીકાજનક છે. તે આપણા લોકતંત્રને કલંકિત કરે છે. જો રાહુલ ગાંધીમાં થોડી પણ શરમ હોય તો તેઓ માફી માગે.