Bharuch Crime : ભરૂચના હાસોટમાં જુનાઓભા ગામ ખાતે કેમેરાના બાકી ભાડા અંગેની તકરારમાં ત્રણ કાર તથા ત્રણ ટુ-વ્હીલર સાથે ઘસી આવેલ ટોળકીએ ત્રણ ભાઈઓને ગડદાપાટુંનો માર મારી ઈજા પહોંચાડતા પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ સાતથી વધુ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
હાંસોટ ખાતે રહેતા મોન્ટુકુમાર પરમારએ ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તારીખ 2 ઓગસ્ટના રોજ આસારમા ગામના દિવ્યેશભાઈ ભરતભાઈ વસાવાએ મારી પાસે કેમેરાની માંગણી કરતા એક દિવસના રૂ.500 લેખે ભાડું નક્કી કર્યું હતું. ત્યારબાદ તેઓ 14 ઓગસ્ટના રોજ કેમેરો પરત આપી ગયા હતા. અને ભાડાની રકમ બાબતે અવારનવાર વાયદાઓ કર્યા હતા. ત્યારબાદ દિવ્યેશભાઈએ નશાની હાલતમાં મને રૂ.1400 આપી બાકીના રૂપિયાની માંગણી કરતા દવા પી જવાની ધમકી આપી હતી. મે મારો પિતરાઈ ભાઈ સમીર તથા ગૌતમ ઓભાગામ ખાતે બેઠા હતા તે વખતે દિવ્યેશ તેના પરિવાર સહિતના લોકો સાથે ત્રણ ઇકો કાર તથા ત્રણ મોટરસાયકલ ઉપર ઘસી આવ્યો હતો. તેઓની પાસ લાકડાના દંડા, ચાકુ, લોખંડનો પંચ જેવા હથિયારો હતા. અને અમને ત્રણેવને ગડદાપાટુનો માર માર્યો હતો. ગામના લોકો દોડી આવતા હુમલાખોરો એક બાઈક સ્થળ પર રાખી નાસી છૂટ્યા હતા. ફરિયાદના આધારે હાંસોટ પોલીસે દિવ્યેશ, તેની માતા, ભાઈ, બહેન, મામા મિત્રો સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.