Bharuch Fraud Case : ફિનલેન્ડના વિઝા અપાવવાના બહાને વકીલ સહિત ચાર વ્યક્તિઓ પાસેથી ટુકડે ટુકડે 4.18 લાખ ઉપરાંતની ઠગાઈ મામલે ફરિયાદના આધારે પાલેજ પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલેજ રહેતા સલીમખાન પઠાણ વકીલાત વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, પાલેજ ગામના મારા સાઢુભાઈ ઇમરાનખાન પઠાણ, પરિચિત આદિલ ભૈયા અને લુકમાન નાથાને વિદેશ ફિનલેન્ડ જવાનું હોય મારા મિત્ર યાકુબ અલીભાઈ જમીદાર (રહે-સાંસરોદ ગામ, કરજણ) નો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ મુંબઈના પાયોનીર એન્ટરપ્રાઇઝના સંચાલક અરમાન કુરેશી સાથે આ અંગે વાતચીત થઈ હતી. ત્યારબાદ વિદેશ જવા માંગતા ત્રણ વ્યક્તિને મુંબઈ બોલાવી મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. અને યાકુબ મારફતે ફિનલેન્ડ દેશની વર્ક પરમિટ મોકલી હતી. એપોઇન્ટમેન્ટ લેટરની તારીખ દર વખતે બદલાતા મને શંકા ગઈ હતી. જેથી મુંબઈ ફીનલેન્ડ એમ્બેસીમાં તપાસ કરતા અમારી સાથે ચીટીંગ થયાનું બહાર આવ્યું હતું. આમ, અરમાન કુરેશીએ મારી તથા મારા ઓળખીતાઓ પાસેથી કુલ રૂ.3.41 લાખ અને યાકુબે રૂ.1 લાખ મળી કુલ રૂ.4,66,500 પડાવી રૂ.48 હજાર પરત આપી રૂ.4,18,500ની છેતરપિંડી આચરી હતી. ફરિયાદના આધારે પાલેજ પોલીસે અરમાન અને યાકુબ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.