ઇ-ચલણ ફક્ત 40 ટકા લોકો જ ભરતા હોવાથી સરકાર લાલઘૂમ
નવી દિલ્હી: ટ્રાફિકના દંડમાં વધારો કરવામાં આવ્યા પછી હવે સરકાર નિયમોને વધુ આકરા કરવા જઈ રહી છે. આ અંગે તૈયાર કરવામાં આવતા નવા ડ્રાફ્ટમાં એવી દરખાસ્ત છે કે જો કોઈ વ્યક્તિ ત્રણ મહિના સુધી ઇ-ચલણની રકમ ન કરે તો ડ્રાઇવરનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. આ ઉપરાંત જોખમી ડ્રાઇવિંગ અને રેડલાઇટ પાર કરવા જેવી ત્રણ ભૂલ એક વર્ષમાં કરી તો લાઇસન્સ ત્રણ મહિના માટે જપ્ત કરવામાં આવશે.
સરકાર આ પ્રકારનો પ્રસ્તાવ લાવવા માટે એટલા માટે વિચારી રહી છે કેમકે લગભગ ૪૦ ટકા લોકો જ ઇ-ચલણની ચૂકવણી કરે છે. આ સંજોગોમાં ચલણની રિકવરી વધારવાના નિયમો સખ્ત કરવાની તૈયારી છે. આ ઉપરાંત લાઇસન્સ પર ભય લાગશે તો લોકોમાં ડ્રાઇવિંગને લઈને ગંભીરતા જોવા મળી શકે છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે મોટાપાયા પર ટ્રાફિક ચલણ અદા કરવામાં આવી રહ્યા નથી. તેના કારણે ઇ-ચલણના માધ્યમથી ખરાબ ડ્રાઇવિંગ પર પ્રતિબંધ લગાવવાનો હેતુ પૂરો થઈ રહ્યો નથી. આ ઉપરાંત એક પ્રસ્તાવ એવો પણ છે કે જે લોકોના કમસેકમ બે ચલણ પડતર પડયા છે તેમના વાહનના વીમા પ્રીમિયમમાં વધારો કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ૨૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદશો પાસે રિપોર્ટ માંગ્યો હતો કે વ્હીકલ્સ એક્ટ હેઠળ ટ્રાફિક ચલણ કાપવા અને તેને ચૂકવવાના મોરચે સ્થિતિ શું છે.
આ કાયદા હેઠળ જ સીસીટીવી કેમેરા લગાવવા, સ્પીડ ગન લગાવવી અને ઓટોમેટિક નંબર પ્લેટ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક રિપોર્ટ મુજબ દિલ્હી તે રાજ્યોમાં એક છે જ્યાં ટ્રાફિકનું ઇ-ચલણ સૌથી વધારે પ્રમાણમાં જારી થાય છે, પરંતુ રિકવરી ઘણી ઓછી છે.
દિલ્હીમાં ટ્રાફિક ચલણની રિકવરી ફક્ત ૧૪ ટકા છે, જ્યારે યુપીમા ૨૭ ટકા છે. આ ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર અને મધ્યપ્રદશમાં પણ આવી સ્થિતિ છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે કેટલાય કારણોથી લોકો ચલણ ભરતાં નથી અને મોડું કરે છે. આ સિવાય લાંબા સમય સુધી ચલણ ન ચૂકવો તો કોઈ પેનલ્ટી કે દંડની સજા થતી નથી. તેના કારણે ઘણી વખત બાકી રહેલા ચલણ માટે લોકો કોર્ટની મદદ લે છે અને તેમને ત્યાં છૂટ મળી જાય છે. ઘણા લોકો જાણીબૂઝીને ચલણ ટાળે છે. આવામાં એવા ઘણા વાહન છે જેના પર એક લાખથી બે લાખ રૂપિયાનો દંડ ભરવાનો બાકી છે.
એક વર્ષમાં ટ્રાફિક ભંગની ત્રણ ભૂલ બદલ ત્રણ મહિના માટે લાઇસન્સ રદ, બે ઇ-મેમો પેન્ડિંગ રહેશે તો વીમા પ્રીમિયમ વધશે