– વકફને શરિયત સાથે ના સરખાવો, બન્ને અલગ : ચિશ્તીનું બિલને સમર્થન
– કરોડોની સંપત્તિ પર કબજો જમાવી બેઠેલા લોકો જ હાલ વકફ બિલનો વિરોધ કરી રહ્યા છે ઃ મંત્રી રિજિજૂ
– વકફ સુધારા બિલ બુધવારે સંસદમાં રજુ કરી દેવામાં આવશે, મંજૂરીની પણ પુરી શક્યતા
નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વકફ બિલનો વિરોધ થઇ રહ્યો છે જ્યારે બીજી તરફ અજમેર શરીફે આ બિલને સમર્થન જાહેર કર્યું છે. એટલુ જ નહીં તેને સુધારા માટે અત્યંત મહત્વપૂર્ણ પગલુ પણ ગણાવ્યું છે. અખિલ ભારતીય સૂફી સજ્જાદાનશીન પરિષદના અધ્યક્ષ અને અજમેર શરીફ દરગાહના વડા નસરુદ્દીન ચિશ્તી નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું છે કે વકફ બોર્ડ મુસ્લિમ સમાજના સુધારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ તેના વહીવટમાં બહુ જ ખામીઓ છે અને કોઇ પારદર્શિતા નથી રહી.
ચિશ્તીએ કહ્યું હતું કે વકફને નુકસાન પહોંચાડનારા અનેક એવા પડતર મુદ્દાઓ છે કે જેનો સમાવેશ આ બિલમાં કરી લેવામાં આવ્યો છે. આ સુધારા વકફ તેમજ મુસ્લિમ સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ખાસ કરીને વકફની સંપત્તિનો જે દુરુપયોગ થઇ રહ્યો છે તેને અટકાવવો જરૂરી છે. કેટલાક સભ્યો એવા પણ છે કે જે વકફની સંપત્તિની વેલ્યૂને વધતી અટકાવી રહ્યા છે. ચિશ્તીએ ૨૦૦૬ના સચર કમિટી રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે વકફની સંપત્તિથી વર્ષે ૧૨૦૦૦ કરોડ રૂપિયાની આવક થઇ શકે છે. જોકે ખરેખર તો આ રકમ ૨૦ હજાર કરોડથી પણ વધુની હોવી જોઇએ. મને પુરી આશા છે કે વકફ બિલથી બોર્ડમાં સુધારા કરવાથી પારદર્શિતા આવશે અને વકફની સંપત્તિનું રક્ષણ થશે. ભાડુ વધશે જે સમાજના લોકોને જ કામ આવશે. વકફનો મામલો શરિયતથી અલગ છે માટે બિલથી શરિયતમાં દખલ થઇ રહી છે તે દાવા જુઠા છે.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ પણ ચિશ્તીના આ વિચારોનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે વકફ બિલને લઇને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. વકફ બિલમાં એવા મુદ્દા આવરી લેવાયા છે કે જે વર્ષોથી પડતર છે. સાથે જ કેન્દ્રીય મંત્રીએ એવા સંકેતો આપ્યા હતા કે ચાલુ સત્રમાં એપ્રીલ મહિનામાં જ વકફ સુધારા બિલને સંસદમાં રજુ કરવામાં આવશે. સાથે તેમણે દાવો કર્યો હતો કે વકફ બિલનો જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓ કરોડો રૂપિયાની જમીન પર કબજો કરીને બેઠા છે તે સૌ કોઇ જાણે છે. જો વકફ બોર્ડ એમ જ કોઇ પણ જમીનને પોતાની સંપત્તિ જાહેર કરી દેશે તો પછી તેનો હિસાબ કિતાબ તો થવો જોઇએ. અમારે માત્ર વકફ બોર્ડમાં પારદર્શિતા લાવવી છે. અમને મુસ્લિમ સમાજમાંથી પણ સમર્થન મળી રહ્યું છે.