– ખેડાના નડિયાદ તાલુકામાં સૌથી વધુ 3 ઈંચ
– શહેરમાં શ્રેયસ સહિતના ગરનાળાઓમાં પાણીમાં ગરકાવ : વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અટવાયા
નડિયાદ : ખેડા જિલ્લામાં મેઘમહેર યથાવત છે. વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે નડિયાદ શહેરમાં અત્યાર સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા હતા.
ખેડા જિલ્લામાં આજે સવારે ૬ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. નડિયાદ શહેરમાં આશરે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે શહેરના રબારીવાડ, વીકેવી રોડ, શ્રેયસ ગરનાળા, માઈ મંદિર ગરનાળા અને ખોડિયાર ગરનાળા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ધીમો પડવા સાથે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. કાળા ડિબાંગ વાદળો અને સતત વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. પરિણામે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.
જિલ્લામાં વરસાદની સ્થિતિને કારણે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર વર્તાઈ હતી.
ખેડા જિલ્લામાં સવારે ૬થી બપોરે બે વાગ્યા સુધીના સમયગાળામાં ખેડા જિલ્લામાં સરેરાશ ૨૦.૩ મિ.મી. વરસાદ નોંધાયો છે.
નડિયાદ તાલુકામાં સૌથી વધુ ૭૬ મિ.મી. જેમાંથી સવારે ૮થી ૧૦ વાગ્યા દરમિયાન ૫૦ મિ.મી. વરસાદ પડયો હતો. ઉપરાંત વસોમાં ૩૮ મિ.મી., ગળતેશ્વરમાં ૨૨ મિ.મી., મહુધામાં ૨૦ મિ.મી., મહેમદાવાદમાં ૧૩ મિ.મી., ઠાસરામાં ૧૦ મિ.મી., ખેડામાં ૯ મિ.મી., માતરમાં ૭ મિ.મી., કઠલાલમાં ૬ મિ.મી. અને કપડવંજમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો છે.
આજના વરસાદ બાદ સમગ્ર જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ ૮૧૪.૪ મિ.મી. થયો છે.