Jafarabad 3 No Signal On: ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી મેઘ મહેર જોવા મળી રહી છે. વરસાદ હજુ ખમૈયા કરવાના મૂડમાં નથી. એવામાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે અમરેલીના જાફરાબાદના દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને આગામી બીજી સપ્ટેમ્બર સુધી સાવચેતી રહેવા જણાવ્યું છે. આ સિવાય આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
માછીમારોની ચેતવણી
સ્ટેટ કંટ્રોલ વિભાગમાંથી મળેલી સૂચનાના અનુસંધાને જાફરાબાદ લાઇટ હાઉસ ખાતે જીએમબી દ્વારા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 29 ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધી દરિયામાં 40થી 60 કિ.મી.ની ઝડપ સુધી પવન ફૂંકાઇ શકે છે. આ સિવાય ઊંચા મોજા ઉછળવાની આગાહીના કારણે જાનમાલનું નુરસાન ન થાય તે માટે માછીમારોને સાવચેત રહેવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ અંબાજીના મહંતની નિમણૂક પ્રક્રિયા અંગે વિવાદ, સાધુ સમાજ દ્વારા આંદોલનની ચીમકી
શું છે 3 નંબરનું સિગ્નલ?
નંબર 3 લોકલ વોર્નિંગ સિગ્નલ એ સૂચવે છે કે, નજીકના સમુદ્ર વિસ્તારમાં ઝપાટાભેર પવન, ભારે વરસાદ કે તોફાની હાલત સર્જાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા, નૌકા બંદરમાં જ રાખવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવે છે.
જાણો દરેક સિગ્નલનું મહત્ત્વ
- સિગ્નલ નં. 1 અને 2 : સામાન્ય ચેતવણી (હલકું જોખમ).
- સિગ્નલ નં. 3 થી 5 : મધ્યમ સ્તરની ચેતવણી (દરિયો ખતરનાક, નાવિકો માટે જોખમી).
- સિગ્નલ નં. 6 થી 10: ગંભીર વાવાઝોડું અથવા ચક્રવાતની સ્થિતિ.
આ પણ વાંચોઃ 2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે શનિવારે (30 ઓગસ્ટ)ના રોજ 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરની આગાહી
આગામી 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
3-4 સપ્ટેમ્બરની આગાહી
3 સપ્ટેમ્બરના રોજ મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
જ્યારે 4 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.