Bursting of Narmada Pipeline will be recorded in Guinness Book: મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વારંવાર પાઈપલાઈન ફાટવાથી પરેશાન થઈને નગર નિગમના વિપક્ષ નેતાએ તેનો વિરોધ કરવાનો એક અનોખો રસ્તો શોધી કાઢ્યો છે અને આ રેકોર્ડ ગિનિસ બુકમાં નોંધાવવાનું વિચાર્યું છે.
પાઈપલાઈન ફાટવાનો વર્લ્ડ રેકોર્ડ
ખંડવાની આ નર્મદા જળ સપ્લાયની પાઈપલાઈન 400થી વધુ વખત ફાટી ચૂકી છે. તેથી, વિપક્ષના નેતાએ તેનું નામ ગિનિસ બુકમાં નોંધાવવાનો પ્રયાસ શરૂ કર્યો અને સંજોગોવસાત તેમનો આ પ્રયાસ સફળ પણ થયો અને ગિનિસ બુકે આ અંગેની તેમની અરજી સ્વીકારી પણ લીધી. ગિનિસ બુકવાળાઓએ આ રેકોર્ડ ખંડવાના નામે નોંધવા માટે જરૂરી દસ્તાવેજો માગ્યા છે, જે લેવા માટે વિપક્ષ નેતા કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને આ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી.
106 કરોડની પાઇપલાઇન 450થી વધુ વખત ફાટી
આ કેસ વિશે માહિતી આપતા, નગર નિગમના વિપક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર દીપક મુલ્લુ રાઠોડે મીડિયાને જણાવ્યું હતું કે, ‘ખંડવામાં આ પાઈપલાઈન 106 કરોડ રૂપિયાના ખર્ચે નાખવામાં આવી હતી અને અત્યાર સુધીમાં લગભગ 450 વખત ફાટી ચૂકી છે. ત્યારબાદ મેં આ વિશે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ નોંધાવવા માટે અરજી આપી, જેને તેમણે સ્વીકારી લીધી. તેમણે મારી પાસે પાઈપલાઈન કેટલી વાર ફાટી છે અને તે કયા વિભાગ હેઠળ આવે છે, તેની પ્રમાણિત નકલો માગી છે. જો આપણે તેમને પ્રમાણિત નકલો આપીશું, તો ચોક્કસપણે ગિનિસ રેકોર્ડ ખંડવાના નામે નોંધાશે.’
ભ્રષ્ટાચારનું જીવતું-જાગતું ઉદાહરણ
દીપક મુલ્લુ રાઠોડે આ અંગે વધુમાં કહ્યું કે, ‘એશિયા કે દુનિયામાં ક્યાંય પણ આટલી મોટી પરિયોજના આટલી ખરાબ રીતે નિષ્ફળ નથી ગઈ. આ ભ્રષ્ટાચારનું જીવતું-જાગતું ઉદાહરણ છે. અમે પછાત જિલ્લામાં આવીએ છીએ, પરંતુ ગિનિસ બુકમાં આવવાથી દુનિયાભરમાં ખંડવાનું નામ થશે. તેથી મેં કલેક્ટર સાહેબને વિનંતી કરી છે કે તેઓ મને પ્રમાણિત નકલ આપવા માટે નગર નિગમ કમિશનરને આદેશ આપે.’
આ પણ વાંચો: ‘ભારત કોઈને દુશ્મન નથી માનતું…’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાને સંભળાવી ખરી-ખોટી
નવી પાઇપલાઇનથી ખંડવાના લોકોને મળશે રાહત
ખંડવાની 2.5 લાખની વસ્તીને પાણી પુરવઠો પૂરી પાડતી આ પાઈપલાઈન વારંવાર ફાટવાથી લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડે છે. જ્યારે પણ પાઈપલાઈન ફાટે છે, ત્યારે 48 કલાક સુધી પાણી પુરવઠો બંધ રહે છે. જોકે, અધિકારીઓના મતે, આ સમસ્યાને ઉકેલવા માટે નવી પાઈપલાઈન નાખવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે, જેનાથી ભવિષ્યમાં લોકોને મુશ્કેલી નહીં પડે.