Vadodara Asia Cup Celebration : એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવી ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો. આ જીત સાથે ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. દેશભરમાં લોકો ઘરની બહાર નીકળી ફટાકડા ફોડીને, તિરંગા લહેરાવીને જુદી-જુદી રીતે આનંદ વ્યક્ત કર્યો હતો. અનેક શહેરોમાં રસ્તાઓ પર લોકો એકત્ર થઈ ટ્રોફી સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આકાશમાં ચમકતી આતશબાજીએ ઉજવણીને વધુ રોશન બનાવી હતી.
વડોદરા શહેરમાં પણ ક્રિકેટ પ્રેમીઓએ ભારે ઉત્સાહ સાથે ભારતની જીતની ઉજવણી કરી હતી. અટલ બ્રિજ, ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં યુવાનો તિરંગા સાથે એકત્ર થયા હતા. રસ્તાઓ પર “ભારત માતા કી જય”ના નારા ગુંજી ઉઠ્યા હતા. ક્રિકેટની આ ઐતિહાસિક જીતથી શહેર દેશભક્તિના રંગમાં રંગાયું હતું. તિરંગા લહેરાવતાં લોકોનો ઉત્સાહ જોઈને સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી પ્રેરિત બન્યું હતું. ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન ખડે પગે તૈનાત રહ્યું હતું. સોશિયલ મીડિયા પર કોઈ વિવાદિત પોસ્ટ ન ફેલાય તે માટે પોલીસએ જનતાને સાવચેત રહેવાની અપીલ પણ કરી હતી. એકંદરે ભારતની જીત વડોદરાવાસીઓ માટે ઉત્સવ સમાન બની હતી.