Vadodara Gas Company : વડોદરા ગેસ કંપનીના ગેસ બિલના અંદાજે રૂપિયા 20 કરોડથી વધુની બાકી રકમની વસુલાત માટે વીજીએલ (વડોદરા ગેસ લિમિટેડ) દ્વારા આગામી તારીખ 13 સપ્ટેમ્બરના રોજ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને નાણાં ન ભરનાર અંદાજે 7500 ગ્રાહકોને નોટિસ બજાવવામાં આવશે.
વડોદરા ગેસ લિમિટેડ શહેરમાં રહેણાંક અને બિનરહેણાંક બંને ગ્રાહકો માટે ગેસ પુરવઠો ઉપલબ્ધ કરાવતું આવ્યું છે. સમયાંતરે એના ગ્રાહકો પણ વધી રહ્યા છે, તો બીજી તરફ બાકી નાણાંની વધતી જતી વસુલાતની રકમને ધ્યાનમાં લઈને વીજીએલ દ્વારા હવે આકરું વલણ અપનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્ટમાં આગામી તારીખ 13 સપ્ટેમ્બરના રોજ વીજીએલ ગ્રાહકોના ગેસના બાકી નાણા મામલે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતના માધ્યમ દ્વારા કોર્ટ તરફથી વકીલ રોકવામાં આવશે અને આ સાથે વીજીએલની ટીમ પણ ઉપસ્થિત રહેશે. બાકી નાણાં મામલે શક્ય તેટલા સમાધાન થાય તેવા પ્રયાસના ભાગરૂપે પૈસા ન ભરનાર 7500 જેટલા ગ્રાહકોને નોટિસ ફટકારશે અને લોક અદાલતમાં હાજર રહેવાનું જણાવશે.