Russian Crude Oil: અમેરિકાએ રશિયન ઓઈલ ખરીદવા બદલ ભારત પર 50% ટેરિફ લગાવી દીધો છે અને વારંવાર ભારત પર હુમલો કરી રહ્યું છે. ટ્રમ્પના સહયોગી પીટર નવારોએ તો એવો પણ દાવો કરી દીધો છે કે યુક્રેન સંઘર્ષ વાસ્તવમાં ‘મોદીનું યુદ્ધ’ છે. ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદે છે અને રશિયન કંપનીઓ સાથે ભાગીદારીમાં ભારતમાં તેને રિફાઇન કરે છે અને પછી તે બાકીના વિશ્વમાં ઊંચા ભાવે વેચાય છે. આ પૈસા રશિયાને યુક્રેનમાં તેના યુદ્ધને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરે છે.
ભારતે રશિયન ઓઈલ ખરીદીને ગ્લોબલ સંકટને અટકાવ્યું
આ વચ્ચે ઉદ્યોગ સૂત્રોએ અનેક તથ્યોનો હવાલો આપીને તમામ જુઠ્ઠાણાને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે જો ભારતે રશિયન ઓઈલ ન ખરીદ્યું હોત તો વૈશ્વિક પરિણામો કેટલા ભયાનક આવ્યા હોત. સૂત્રોનું કહેવું છે કે ભારતે રશિયન ઓઈલ ખરીદીને એક ગ્લોબલ સંકટને અટકાવ્યું છે. જો ભારતે ઓઈલની ખરીદી બંધ કરી દીધી હોત, તો આજે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 200 ડોલર સુધી પહોંચી ગઈ હોત.
ભારતની આયાતે વૈશ્વિક બજારોને સ્થિર કર્યા
એક અહેવાલમાં સૂત્રોનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, ભારતની આયાતે વૈશ્વિક બજારોને સ્થિર કર્યા છે અને રશિયાને નાણાકીય પ્રોત્સાહન આપવાના બદલે વિશ્વભરના ગ્રાહકો માટે ઈંધણના ભાવ સ્થિર રાખવામાં મદદ કરી છે. આ પગલાની અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલન સહિત અનેક ઈન્ટરનેશનલ હસ્તીઓએ પણ પ્રશંસા કરી છે.
ગ્લોબલ માર્કેટથી રશિયન ઓઈલ બહાર થઈ જવાની અગાઉની આશંકાઓએ બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો કરી દીધો હતો. માર્ચ 2022માં તેની કિંમત પ્રતિ બેરલ 137 ડોલરની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. ત્યારબાદ ભારતે રશિયન ઓઈલ ખરીદીને ગ્લોબલ પરિસ્થિતિને સંભાળી છે. એક ન્યૂઝ એજન્સીના સૂત્રના જણાવ્યા પ્રમાણે ભારતે નિયમો અનુસાર જ રશિયન ઓઈલની ખરીદી કરી છે અને કોઈપણ નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું.
નવારોએ શું કર્યો હતો દાવો
ટ્રમ્પના સહયોગી પીટર નવારોએ આ અઠવાડિયાની શરૂઆતમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યુ હતું જેમાં તેમણે દાવો કર્યો હતો કે, ભારત સસ્તા ભાવે ઓઈલ ખરીદીને રશિયાને મદદ કરી રહ્યું છે. જો ભારત હમણાં જ રશિયન ઓઈલ ખરીદવાનું બંધ કરી દે તો તેને અમેરિકન ટેરિફમાં તાત્કાલિક 25%ની છૂટ મળી શકે છે. યુક્રેનમાં શાંતિનો માર્ગ ભારતથી પસાર થઈને જાય છે.
અમેરિકન ડોલરનો ઉપયોગ નથી કરતા
ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું કે, પ્રચલિત દાવાઓથી વિપરીત ભારતીય રિફાઇનર્સ રશિયન ઓઈલ ખરીદવા માટે અમેરિકન ડોલરનો ઉપયોગ નથી કરતા. ખરીદી ત્રીજા દેશના વેપારીઓના માધ્યમથી કરવામાં આવે છે અને AED જેવા ચલણોમાં સેટલ કરવામાં આવે છે. અમેરિકન સરકારે ક્યારેય ભારતને ખરીદી બંધ કરવા માટે નથી કહ્યું. ભારતનો વેપાર સંપૂર્ણપણે કાયદેસર છે અને G7 અને EUના નિયત ભાવ નિયમો હેઠળ છે.
બજારમાં રશિયન ઓઈલની જરૂર
ભારતે ઓઈલના બ્લેકમાર્કેટની અટકળોનું પણ ખંડન કર્યું છે. સૂત્રોએ આગળ કહ્યું કે, ‘રશિયન ઓઈલ પર ઈરાની કે વેનેઝુએલાના ઓઈલની જેમ પ્રતિબંધ નથી. તે પશ્ચિમી દેશો દ્વારા નફાખોરીને રોકવા માટે બનાવેલી નિશ્ચિત લિમિટ સિસ્ટમ હેઠળ વેચાય છે. જો અમેરિકા રશિયન ઓઈલ પર પ્રતિબંધ મૂકવા માંગતું હોત, તો તેણે પ્રતિબંધ લગાવી દીધો હોત, પરંતુ તેણે એવું ન કર્યું કારણ કે તેને બજારમાં રશિયન ઓઈલની જરૂર છે.’
ભારત દાયકાઓથી વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઈનર
ભારત રશિયન ઓઈલ રિફાઈનિંગનું કેન્દ્ર બન્યું હોવાના આરોપોને પણ નકારી કાઢવામાં આવ્યા છે. ઉદ્યોગ સૂત્રોએ કહ્યું કે ભારત દાયકાઓથી વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઈનર રહ્યો છે. ક્રૂડ ઓઈલનું રિફાઈનિંગ અને ઈંધણની નિકાસ, ગ્લોબલ વ્યવસ્થા આવી જ રીતે કામ કરે છે. રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ લગાવ્યા બાદ યુરોપ ખુદ ભારતીય ડીઝલ અને જેટ ઈંધણ પર નિર્ભર બની ગયું છે.
આ પણ વાંચો: પીટર નવારોનો ‘લવારો’, યુક્રેન યુધ્ધને મોદી વૉર ગણાવ્યું, આંકડા અને તથ્યોથી વિપરિત નિવેદન
રિફાઈનરીઓ પોતાનો નફો વિદેશમાં મોકલી રહી છે કે કેમ તે અંગે સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે લગભગ 70% રિફાઈન્ડ ઈંધણ ભારતમાં જ રહે છે. રિલાયન્સની એક રિફાઇનરીએ આ યુદ્ધ પહેલા 2006થી જ નિકાસ પર ફોકસ કર્યું છે. સ્થાનિક ઉપયોગ વધવાની સાથે જ રિફાઈન્ડ ઈંધણની નિકાસમાં ખરેખર ઘટાડો થયો છે.