Jamnagar Crime : જામનગરના મયુરનગર વિસ્તારમાં પાડોશીઓના ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડેલા એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કર્યાની તેમજ તેના માતા અને ભાઈ ઉપર પણ હુમલો કરી ઘરમાં તોડફોડ કરી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તેઓએ પોતાની નકલી પોલીસની ઓળખ આપી હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુરનગર વિસ્તારમાં રહેતા જયદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના 24 વર્ષના યુવાને પોતાના માથા પર પાઇપ ફટકારી લોહી લુહાણ કરી નાખવા અંગે ઉપરાંત પોતાના નાનાભાઈ અને માતા ઉપર પણ હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે અને ઘરમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે અભિષેક પંકજભાઈ જોશી, પરીક્ષિત પંકજભાઈ જોશી, આશિષ કાંતિલાલ જોષી અને સુનિલભાઈ વગેરે ચાર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી અભિષેક કે જેના કોઈ પરિચિત ઉપર ચોરીનું આળ મૂકવામાં આવ્યું હતું, અને ઇજાગ્રસ્ત જયદેવના બાજુમાં રહેતા રમેશભાઈ બાલાસના પરિવારના સભ્ય જાહેરમાં વાતો કરતા હતા, જેનો ખાર રાખીને ઉપરોક્ત આરોપીઓ પાડોશી રમેશભાઈ બાલસના ઘરની બહાર આવ્યા હતા, અને હંગામા મચાવી રહ્યા હતા. જેને ફરિયાદી યુવાને અટકાવવા માટેનો પ્રયાસ કરતાં તેઓ ઉસકેરાઈ ગયા હતા, અને અમારા ઝઘડામાં તું શું કામ વચ્ચે રસ લે છે, તેમ કહી માર માર્યો હતો. એટલું જ નહીં તેના ઘરમાં પણ ઘુશી જઇ હંગામો મચાવી પોતે પોલીસ છે, તેવી ખોટી ઓળખ આપીને તોડફોડ પણ કરી નાખી હતી.
જે સમગ્ર બનાવનો કોઈએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન તે વિડિયો વાયરલ થયો હતો. આખરે મોડી રાત્રે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને હંગામા મચાવી તોડફોડ કરનાર ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસ તેઓને શોધી રહી છે.