મુંબઈ : વર્તમાન વર્ષના ફેબુ્રઆરીમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ ઘટી રૂપિયા ૧.૬૭ ટ્રિલિયન સાથે સાત મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. અનસિકયોર્ડ લોન્સ પર તાણ અને ઘરેલુ દેવામાં વધારા વચ્ચે ક્રેડિટ કાર્ડસના વપરાશમાં ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ રૂપિયા ૧.૮૪ ટ્રિલિયન રહ્યો હતો.ગયા વર્ષના ફેબુ્રઆરીમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચનો આંક રૂપિયા ૧.૪૯ ટ્રિલિયન રહ્યો હતો.
ફેબુ્રઆરીમાં ક્રેડિટ કાર્ડસ મારફત ઈ-કોમર્સ પેમેન્ટસનો આંક રૂપિયા ૧.૦૫ ટ્રિલિયન રહ્યો હતો જે જાન્યુઆરીમાં રૂપિયા ૧.૧૫ ટ્રિલિયન જોવા મળ્યો હતો. આ ઉપરાંત પોઈન્ટ ઓફ સેલ ખાતે પણ ફેબુ્રઆરીમાં રૂપિયા ૬૨૧૨૪.૯૧ કરોડ ખર્ચાયા હતા જે જાન્યુઆરીમાં રૂપિયા ૬૯૪૨૯.૪૦ કરોડ રહ્યા હતા એેમ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.
છેલ્લા કેટલાક મહિનાથી અનસિકયોર્ડ લોનની તાણમાં વધારો થયો છે. એટલું જ નહીં ઘરેલુ દેવાબોજમાં પણ વધારો થઈ રહ્યો છે.
ખર્ચમાં ઘટાડા ઉપરાંત નવા કાર્ડસ જારી કરવાની માત્રામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. દેવાબોજમાં વધારાને કારણે ઉપભોગતા દ્વારા ખર્ચની પદ્ધતિમાં પણ બદલાવ આવી રહ્યો છે.
ફેબુ્રઆરીના અંતે દેશમાં ક્રેડિટ કાર્ડસની કુલ સંખ્યા ૧૦.૯૩ કરોડ રહી હતી. જાન્યુઆરીમાં ૮.૧૦ લાખની સરખામણીએ ફેબુ્રઆરીમાં ૪.૪૦ લાખ નવા ક્રેડિટ કાર્ડસનો ઉમેરો થયો હોવાનું પણ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.