ઈદ નિમિતે ભારતીય શેર બજારો બંધ રહ્યા : સાંજે ગિફ્ટ નિફટીમાં ૨૭૫ પોઈન્ટનો કડાકો
મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફની હવે ૨, એપ્રિલના જેવા સાથે તેવાની નીતિમાં રેસિપ્રોકલ ટેરિફ લાદવાના અંતિમ કાઉન્ટ ડાઉન વચ્ચે આજે વૈશ્વિક વેપાર સાઈકલ ખોરવાઈ જવાની દહેશત અને નિકાસો પર નિર્ભર દેશોની હાલત કફોડી બનવાના ભય વચ્ચે આજે વૈશ્વિક બજારો ધરાશાયી થયા હતા.
રમઝાન ઈદ નિમિતે ભારતીય શેર બજારો બંધ રહ્યા સામે વિશ્વના અન્ય દેશોના બજારોમાં ખાસ એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનના ટોક્યો શેર બજાર સાથે યુરોપમાં જર્મનીના શેર બજારમાં મહાકડાકો બોલાઈ ગયો હતો.
અમેરિકામાં મોટી નિકાસો કરનારા દેશોની નિકાસ પર મોટી અસરની ભીતિ સાથે વિશ્વ વેપાર યુદ્વથી આગામી દિવસોમાં ઘણા દેશોની અર્થવ્યવસ્થા ખોરવાઈ જવાના અનુમાનોએ ફંડોએ મોટાપાયે સેલિંગ કર્યું હતું. ભારતીય શેર બજારો સોમવારે બંધ રહ્યા હતા, પરંતુ સાંજે ગિફ્ટ નિફટીમાં ૨૭૫ પોઈન્ટનો કડાકો બતાવાતો હતો અને ગિફ્ટ નિફટી સાંજે ૨૩૩૭૦ નજીક બોલાતી હતી.
જાપાનના ટોક્યો શેર બજારમાં આજે નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૫૦૨ પોઈન્ટ ના તૂટીને ૮ મહિનાની નીચી સપાટી નજીક ૩૫૬૧૭ની સપાટીએ આવી ગયો હતો. ટ્રમ્પના ટેરિફના નવા રાઉન્ડથી જાપાનની નિકાસોને નેગેટીવ અસર થવાની પૂરી શકયતાના અંદાજોએ ટોક્યો શેર બજાર કરેકશન ઝોનમાં પ્રવેશ્યું હતું.
જાપાનની સાથે દક્ષિણ કોરિયાના બજારોમાં પણ ગાબડાં પડયા હતા. કોસ્પી ઈન્ડેક્સ ત્રણ ટકા તૂટીને ૨૪૮૧ની સપાટીએ રહ્યો હતો. જ્યારે સ્મોલ કેપ કોસ્દાક ઈન્ડેક્સ ૩.૦૧ ટકા તૂટીને ૬૭૩ના તળીયે આવી ગયો હતો.
ઓસ્ટ્રેલિયાના શેર બજારોમાં પણ આજે એસ એન્ડ પી એએસએક્સ ૨૦૦ ઈન્ડેક્સ ૧.૭૪ ટકા તૂટીને ૭૮૪૩ની સપાટીએ રહ્યો હતો. ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ અપેક્ષાથી ઓછો ૦.૭૧ ટકા ઘટીને ૩૮૮૭ની સપાટી પ્રવર્તિ રહ્યો હતો. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૧૫૨ પોઈન્ટ તૂટીને ૨૩૪૨૬ની સપાટી રહ્યો હતો.
ટ્રમ્પના ટેરિફના નવા રાઉન્ડની તૈયારીએ સૌથી વધુ પ્રભાવિત યુરોપના દેશો રહેવાની શકયતાએ આજે યુરોપના દેશોના બજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. જર્મનીનો ડેક્ષ સાંજે ૩૬૦ પોઈન્ટનો ઘટાડો, લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૧૦૩ પોઈન્ટનો કડાકો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૨૯ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. ટ્રમ્પ દ્વારા રશીયા પર ઓઈલ અંકુશો લાદવાની અને આકરા ટેરિફ જાહેર થવાની શકયતા વચ્ચે આજે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ મજબૂત રહ્યા હતા.
સાંજે બ્રેન્ટ ક્રુડ ૬૯.૪૭ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૭૪.૧૫ ડોલર નજીક રહ્યા હતા. આ સાથે વૈશ્વિક અનિશ્ચિતતા વધી રહી હોઈ વિશ્વ બજારમાં ફંડો ફાઈનાન્શિયલ એસેટ્સમાંથી રોકાણ હળવું કરીને સુરક્ષિત રોકાણ ગણાતાં ગોલ્ડ-સોનામાં સતત રોકાણ વધારી રહ્યા હોઈ વિશ્વ બજારમાં સોનાના ભાવો આજે ૩૧૦૦ ડોલરની સપાટી કુદાવી જતાં વૈશ્વિક શેર બજારોમાં ધોવાણ વધતું જોવાયું હતું.
ટેરિફ વોરની નેગેટીવ અસરની સાથે અમેરિકાની જીડીપી વૃદ્વિ પ્રથમ ત્રિમાસિકમાં નબળી રહેવાના અંદાજો વચ્ચે મોડી સાંજે અમેરિકી શેર બજારોમાં ખુલતા બજારમાં ડાઉ જોન્સમાં ૨૯૨ પોઈન્ટનો ઘટાડો અને નાસ્દાકમાં ૩૯૧ પોઈન્ટનો ઘટાડો બતાવાતો હતો.