Shamlaji Aravalli : ગુજરાતના પંમચહાલ, અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં અરવલ્લીના શામળાજીમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું હોવાની ઘટના સામે આવી છે. ભૂસ્ખલનની ઘટના પગલે અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. સમગ્ર ઘટનાને લઈને તંત્રને જાણ કરવામાં આવી હતી.
શામળાજીમાં ભારે વરસાદી સ્થિતિ વચ્ચે ભૂસ્ખલન
મળતી માહિતી મુજબ, અરવલ્લીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે શામળાજીમાં ભારે વરસાદી સ્થિતિ વચ્ચે બસ સ્ટેશન પાસેના ઓવરબ્રિજ નજીક ભૂસ્ખલનની દુર્ઘટના બની હતી. ડુંગર પરથી મોટા પથ્થરો અને માટી ધસી પડતાં હાઈવે પર વાહનો થંભી ગયા હતા, જેના કારણે ટ્રાફિકજામ સર્જાયુ હતું. ભૂસ્ખલનની ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું.
આ પણ વાંચો: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઍલર્ટ
શામળાજીમાં અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે ભૂસ્ખલન થવાથી રોડ પર પથ્થર અને માટી પ્રસરી હતી. સમગ્ર ઘટનાને લઈને રાહદારીઓએ ભૂસ્ખલનમાં ડુંગર પરથી પડેલા પથ્થરોને હટાવીને રસ્તો પરિવહન કરતાં લોકો માટે ખુલ્લો કર્યો હતો. અરવલ્લીના શામળાજી સહિતના ડુંગરાળ વિસ્તારોમાંથી પસાર થતી વખતે રાહદારીઓને સાવચેતી રાખવા માટે તંત્રએ જણાવ્યું હતું.