IDD ટેકનોલોજી મુદ્દે જાણકારોએ AIની મદદ લીધી : હાઈકોર્ટમાં સિંહોના કમોત અંગે ચાલતી PILમાં રેલ તંત્રએ રેલ્વે ટ્રેક પર IDDનો ઉપયોગ કરવા ખાતરી આપી છે
જૂનાગઢ, : ગુજરાત હાઈકોર્ટમાં સિંહોના કમોત મુદ્દે ચાલતી પીઆઈએલમાં રેલ્વેએ ટ્રેક પર આઈડીડી ટેકનોલોજીનો ઉપયોગ કરવા ખાતરી આપી છે જેનાથી ટ્રેક પર સિંહોની ઓળખ થઈ શકે તેવો દાવો કર્યો છે. આ અંગે સિંહપ્રેમીઓ અને જાણકારોએ આઈડીડી મુદ્દે એઆઈની મદદ લેતા તેમાં સ્પષ્ટ થયું છે કે, આઈડીડી ટેકનોલોજી જાનવરોની હાજરી જણાવી શકે પણ સિંહને જ ઓળખે એ પ્રેક્ટીકલ શક્ય નથી.
સિંહોના અકુદરતી મોત બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલ ચાલે છે. તેમાં રેલતંત્રએ રેલ્વે ટ્રેક પર ઈન્ટ્રૂશન ડિટેક્શન ડિવાઈસ મુકવાની વાત કરી છે. આ ડિવાઈસ મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. શું આ ડિવાઈસ રેલ્વે ટ્રેક પર સિંહોને જ ઓળખીને એલર્ટ આપી શકે, શું એ ડિવાઈસ ટ્રેક પર તથા આજુબાજુમાં ફરતા નિલગાય, શાબર, શિયાળ, ગાય, ભુંડ, બકરી, માણસથી અલગ તારવી એ ટ્રેક પર આવતી ટ્રેનના ચાલકને એલર્ટ કરશે ? આ અંગે જાણકારોએ એઆઈની મદદ મેળવી છે. ઈન્ટ્રૂશન ડિટેક્શન ડિવાઈસ એટલે આઈડીડીનો ઉલ્લેખ છે. આ એક પ્રકારની સેન્સર સિસ્ટમ છે. જે રેલ્વે ટ્રેક ઉપર કે આસપાસ જીવંત મુવમેન્ટ થતી હોય તો તેને ડિટેક્ટ કરે છે. ટેકનોલોજી પ્રમાણે તેમાં થર્મલ સેન્સર, ઈન્ફ્રારેડ કેમેરા, મોશર સેન્સર, ફાયબર ઓપ્ટીકલ સેન્સર કે ક્યારેક એઆઈ આધારીત સીસીટીવી કેમેરાનો ઉપયોગ થઈ શકે છે. આવી સિસ્ટમ ટ્રેક પર કંઈક મુવમેન્ટ છે એ જણાવી શકે છે પણ ખાસ કરીને એ સિંહ છે કે નિલગાય કે ગાય છે એ ચોક્કસપણે અલગ પાડવું ટેકનિકલ ખુબ જ મુશ્કેલ છે. એઆઈ આધારીત કેમેરા સિંહની ઓળખ અલગ પાડવાની કોશિષ કરે છે પરંતુ જંગલમાં અંધારૂ, ઘાસ, ઝાડીઓ, ધુમ્મસ, વરસાદ, કેમેરા એંગલ, વિજળી ન હોવી સહિતના કારણોસર સિંહને 100 ટકા ઓળખવું અશક્ય સમાન છે. જેથી રેલ્વે જે દાવો કરે છે કે આ સિસ્ટમ ખાસ કરીને સિંહને ઓળખશે એ વાસ્તવમાં પ્રેક્ટીકલ નથી તે વધારામાં કોઈ મોટું પ્રાણી છે એટલું જણાવી શકે. સરકારી તંત્ર ટેકનિકલ સોલ્યુશન આઈડીડી બતાવી કોર્ટને સંતોષવાનો પ્રયાસ કરે છે પરંતુ સોલ્યુશન હક્કિતમાં પુરતું અસરકારક છે કે માત્ર સમય પસાર કરવા માટે છે એ મોટો પ્રશ્ન છે.