Vadodara Corporation : વડોદરા શહેરમાં નગર રચના અધિકારીની કચેરી દ્વારા ટી.પી. સ્કીમની અમલ કરવાની પદ્ધતિમાં બેવડી નીતિ અપનાવાને કારણે રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે તેવો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં તાંદળજા વિસ્તારની જમીનમાં માત્ર 10થી 13 ટકા જમીન કપાત કરી બિલ્ડરોને ફાયદો કરી આપવામાં આવ્યો. એટલું જ નહીં વડોદરા કોર્પોરેશનને તેમાં બાંધકામની પણ મંજૂરી આપી દીધી છે જેથી વિવાદ સર્જાયો છે.
વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં રાજ્યના નગર રચના અધિકારીએ ટીપી સ્કીમ નંબર 27 બનાવવાનો અમલ શરૂ કર્યો હતો. તે દરમિયાન તાંદલજામાં આવેલી સર્વે નંબર 158 પૈકી એક અને બે ની કુલ 17,098 ચોરસ મીટર (1.84 લાખ ફુટ) જમીનના માલિક અનસભાઈ પટેલ અને નગીનભાઈ અમથાભાઈ વાઘેલાએ વર્ષ 2012-13 માં કોર્પોરેશનમાંથી બાંધકામ પરવાનગી મેળવી હતી. તે બાદ જમીન પર બાંધકામ માટે નવેસરથી રિવાઇઝડ પ્લાન મૂકવાનું નક્કી કરવામાં આવતા કોર્પોરેશન દ્વારા જમીન કપાત અંગેનો નગર રચના અધિકારીનો અભિપ્રાય મેળવવાનું જણાવવામાં આવ્યું હતું. અભિપ્રાય મેળવવા નગર રચના અધિકારી પાસે જમીન માલિકોએ સંપર્ક કરતા નગર રચના અધિકારીએ બિલ્ડરને ફાયદો કરી આપવા કુલ જમીન 17,098 ચોરસ મીટર હતી તેમાંથી ટીપી સ્કીમનો અમલ થતા નંબર 9/1-2 કુલ ક્ષેત્રફળ 14,866 ચોરસ મીટરનો ફાઇનલ પ્લોટ આપવામાં આવ્યો હતો.
તાંદળજા વિસ્તારની આ જમીનમાં 40% જમીન કપાતને બદલે 12 થી 13 ટકા જમીન કપાત કરી બિલ્ડરને ફાયદો કરી આપવામાં આવ્યો છે. નગર રચના અધિકારી દ્વારા ખરેખર 17,098 ચોરસ મીટર જમીનમાંથી 40% પ્રમાણે 6,839 ચોરસ મીટર જમીન કપાત થવા પાત્ર હતી તેમ છતાં માત્ર 2200 ચોરસ મીટર 10 થી13 ટકા જમીન કપાત કરી બિલ્ડરને 4,866 ચોરસ મીટર વધારાની જમીન ફાળવી દેવામાં આવી હતી. જેથી સરકારને રૂપિયા 50 કરોડનું આર્થિક નુકસાન બિલ્ડર અને નગર રચના અધિકારીએ ભેગા મળી કર્યું છે તે બાદ કોર્પોરેશનને ફરી તેઓને બાંધકામ પરવાનગી આપી દીધી હતી. હાલમાં આ જમીન પર સાયબા પ્લેટિનમ મહંમદી હાઇટ્સ નામની સ્કીમ ચાલી રહી છે જ્યારે કેટલીક જમીન ખુલ્લી હોવાનું જાણવા મળે છે. નગર રચના અધિકારીએ ખોટી રીતે આપેલા અભિપ્રાય બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા બાંધકામ પરવાનગી પણ આપી દેવામાં આવી છે ત્યારે હવે સરકારના ધારા ધોરણ પ્રમાણે 40% જમીન કપાત થશે કે કેમ એ જોવાનું રહે છે.
ઓછી જમીન કપાતના અભિપ્રાયના આધારે કોર્પોરેશને બાંધકામ પરવાનગી આપી દીધી
વડોદરા કોર્પોરેશનમાં બાંધકામ પરવાનગી આપતા સમયે તમામ બિલ્ડર પાસેથી નવેસરથી જમીન કપાત અંગેના અભિપ્રાય મંગાવવામાં આવતા હોય છે ત્યારે તાંદળજાની સર્વે નંબર 158 પૈકી એક અને બેમાં નગર રચના અધિકારીએ 2019 માં આપેલા જમીન કપાતના અભિપ્રાયમાં માત્ર 10થી 13 ટકા જ જમીન કપાત કર્યાનો અભિપ્રાય આપ્યો હતો. તેમ છતાં કોર્પોરેશન દ્વારા આ જમીન પર બે સ્કીમને બાંધકામ પરવાનગી આપી દેવામાં આવી છે જેથી બિલ્ડર નગર રચના અધિકારી અને કોર્પોરેશનના અધિકારીની મિલીભગતથી સમગ્ર કૌભાંડ આચરીને સરકારને 50 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.